Happy Birthday: જે ફિલ્મમાં ડેબ્યુ કરીને ધમાકો કરર્યો તે 25 વર્ષ બાદ ફરી થિયેટરોમાં
દસ-વીસ વર્ષ પહેલા રજૂ થયેલી અથવા તો જૂની ને જાણીતી ફિલ્મોને થિયેટરોમાં ફરી રિલિઝ કરવાનો નવો ટ્રોન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડનો લાભ લઈ 25 વર્ષ પહેલાની એક સુપરહીટ ફિલ્મ આજે રિ-રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મે વર્ષ 2000માં જે તરખાટ મચાવ્યો હતો, તે શબ્દોમાં કહેવો અઘરો છે. યુવાનો જ નહીં સૌને આ ફિલ્મે ઘેલુ લગાડ્યું હતું અને તેના ઘણા કારણો હતા, જેમાં સારી સ્ટોરી, બેસ્ટ ડિરેક્શન, સુપરહીટ મ્યુઝિક તો ખરા જ, પણ સૌથી મોટું કારણ ફિલ્મનો હીરો. રોમાન્ટિક અને એક્શન હીરોનું અનોખું કોમ્બિનેશન. ભૂરી આંખો, હાઈટેડ, પ્રતિભાશાળી ચહેરો, કિલિંગ સ્માઈલ, ડાન્સિંગમાં એક્સપર્ટ…આ હીરો એટલે આજનો બર્થ ડે સેલિબ્રિટી રીતિક રોશન. રોશન પરિવારના આ કલાકારે પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈથી ડેબ્યુ એવું તો કર્યું હતું કે આજ સુધી પોતાની પહેલી ફિલ્મથી આટલું ઘેલું કોઈ એક્ટર લગાવી શક્યો નથી.
આજે 10મી જાન્યુઆરીએ રીતિક પોતાનો 51મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ત્યારે તેની પહેલી ફિલ્મ પણ રિ-રિલિઝ થઈ છે.
રીતિકની આ ફિલ્મ રિલિઝ થઈ તે સમયે શાહરૂખ ખાન સુપર સ્ટારડમની મજા માણતો હતો. રીતિકની એન્ટ્રીએ એસઆરકેને એટલો તો હચમચાવી નાખ્યો કે તેણે રીતિકના સ્ટેપ્સની ઠેકડી ઉડાડતી એક એડમાં કામ કર્યું હતું. જોકે એસઆરકેએ બહુ લાંબો સમય ચિંતામાં ન રહેવું પડ્યું. આટલી ધમાકેદાર શરૂઆત બાદ રીતિક ધીમો પડ્યો. એક અભિનેતાના તમામ સારા પાસા તેનામાં હોવા છતાં તેના ફિલ્મોના સિલેક્શન અને અન્ય કારણોસર તેની ફિલ્મો હીટ ન થઈ. ફીઝા, મિશન કશ્મીર, મૈં પ્રેમ કી દિવાની હું જેવી ફિલ્મો ફ્લોપ ગઈ. ત્યારબાદ ફરી પિતાનો હાથ પકડી તેણે કોઈ મિલ ગયાથી બોલીવૂડમાં રિ-એન્ટ્રી કરી અને તેની ક્રિશની ત્રણ સિરિઝ પણ આવી. પણ જે પહેલી ફિલ્મે જાદુ ચલાવ્યો તે કોઈ ચલાવી શકી નહીં. સુપર-30, ઝિંદગી ન મિલેગી દોબારા, ફાઈટર, વૉર વગેરે તેની હીટ ફિલ્મો છે. ફિલ્મો સાથે યુવાનોમાં તે તેના બોડી બિલ્ડિંગ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેના વર્ક આઉટ અને ડાયેટના વીડિયો વાયરલ થતા રહે છે.
પર્સનલ લાઈફમાં પણ તેણે ઉતાર-ચઢાવ જોયા. કહો ના પ્યાર હૈની સફળતા બાદ લગભગ 30 લાખ છોકરીઓએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે નાનપણની મિત્ર સુઝેન ખાન સાથે લગ્ન કર્યા. બન્નેને બે બાળક પણ થયા, પરંતુ પછી આ સંબંધ લથડાયો અને બન્નેએ છૂટા થવાની જાહેરાત કરી. સુઝેન પોતાની લાઈફમાં આગળ વધી અને રીતિક હાલમાં સબા આઝાદ નામની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે.
આ પણ વાંચો…Box Office: બેબીજોન ભપ્પ થઈ ગઈ, મુફાસા ધીમી પડી, પુષ્પા-2 હજુ દોડે છે
રીતિક હાલમાં વૉર-2ની તૈયારીમાં છે. 2025માં તેની 2 ફિલ્મો આવશે અને ફરી તે ક્રિશની સિરિઝ 4 લઈને પણ આવશે.
રીતિકને જન્મદિવસની શુભકામના