Happy Birthday: CM દાદા અને MLA પિતાનો દીકરો છે આજનો બર્થ ડે સ્ટાર | મુંબઈ સમાચાર

Happy Birthday: CM દાદા અને MLA પિતાનો દીકરો છે આજનો બર્થ ડે સ્ટાર

આજની બર્થ ડે સેલિબ્રિટી ફિલ્મો કરતા ઓટીટી પર વધારે છવાયેલી રહી છે. શરૂઆત ફિલ્મોથી કરી, પણ જોઈએ તેટલી સફળતા ન મળી. ત્યારબાદ ઓટીટીમાં કામ મળ્યું અને હવે તે વ્યસ્ત થઈ ગયો છે. આ સેલિબ્રિટીના ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે તે થોડો અલગ તરી આવે છે. આ અભિનેતા નેતા પરિવારમાંથી આવે છે. વાત કરી રહ્યા છીએ અરુણોદય સિંહની Arunoday Sinh. અપહરણ-સબ કટેગા, યે સાલી ઝિંદગી જેવી ફિલ્મો-સિરિઝમાં તમે તેને જોયો છે. અરુણોદય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અર્જુન સિંહના પૌત્ર છે અને તેનાં પિતા પણ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે અરુણોદયે તૈયાર બેઠા ટિકિટ મેળવી ચૂંટણી લડી વંશવાદના રાજકારણમાં પડવાને બદલે પોતાનો અલગ જ રસ્તો પસંદ કર્યો અને સંઘર્ષ કરીને આગળ વધ્યો. અરુણોદય સિંહ આજે તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

અરુણોદય સિંહે પરિવારની રાજકીય ઈમેજથી અલગ ઓળખ ઉભી કરવાની કોશિશ કરી અને અરુણોદય આમાં સફળ પણ રહ્યો છે. અરુણોદય સિંહે પહેલા ફિલ્મોમાં અને હવે OTTની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. બોલિવૂડમાં તેનો કોઈ ગોડફાધર નહોતો અને ન તો તેણે પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ કર્યો છે.

17 ફેબ્રુઆરી 1983ના રોજ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામ મંડોરામાં જન્મેલા અરુણોદય સિંહ ત્યાંના એક મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ જ્યારે તેનો જન્મ થયો ત્યારે ગામમાં કોઈ સુખ-સુવિધા નહોતી. દૂર દૂર સુધી કોઈ સગવડો ઉપલબ્ધ ન હતી. તેના પરિવારે તેને બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો અને પછી ત્યાંથી તે બોસ્ટન ગયો.

જ્યારે અરુણોદય સિંહ 9 વર્ષના હતો ત્યારે તેમણે થિયેટર નાટકમાં કામ કર્યું હતું. આ તે ક્ષણ હતી જ્યારે અરુણોદય અભિનયના પ્રેમમાં પડ્યો હતો. ત્યારથી તેણે નક્કી કર્યું હતું કે તે અભિનેતા બનશે અને રાજકારણમાં નહીં જાય. ત્યારબાદ તેણે 2009માં પિયુષ ઝાની ફિલ્મ સિકંદરથી અભિનયની શરૂઆત કરી. આ પહેલા તેણે ઘણા ઓડિશન આપ્યા હતા. ખૂબ સંઘર્ષ કર્યો.

અરુણોદય સિંહને ફિલ્મની ઑફર્સ મળવા લાગી, પરંતુ તેમને કોઈ ખાસ ઓળખ મળી નહીં. પરંતુ 2011માં રિલીઝ થયેલી સુધીર મિશ્રાની ફિલ્મ યે સાલી ઝિંદગીએ તેમની કારકિર્દી પર ખાસ્સી અસર કરી હતી. આ ફિલ્મમાં તેણે ભજવેલી ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું નોમિનેશન પણ મળ્યું હતું. જોકે તેમ છતાં ખ્યાતિ તો ન જ મળી.

પરંતુ OTTના આગમન પછી અરુણોદય સિંહની કારકિર્દીમાં દોડવા લાગી. તે વેબ સીરિઝ અપહરણ-સબકા કટેગાથી ફેમસ થયો હતો. આ પછી, તેને OTTની દુનિયામાં ઘણી ઑફર્સ મળી, જેમાં યે કાલી કાલી આંખે, લાહોર કોન્ફિડેન્શિયલ અને ધ ચાર્જશીટ જેવી વેબ સિરીઝ સામેલ છે.

Arunoday sinhની પર્શનલ લાઈફની વાત કરીએ તો તેણે કેનેડિયન યુવતી લી એલ્ટન સાથે લગ્ન કર્યા હતા. જોકે તેના લગ્ન કરતા તેમના છૂટાછેડા વધારે ફિલ્મી છે. વાત એમ છે કે લી અને અરૂણોદય બન્નેના પેટ ડૉગ હતા. બન્ને એકબીજા સાથે ઝગડતા હતા. આને લીધે આ દંપતી વચ્ચે પણ ઝગડા થતા હતા અને અંત આ ઝગડા ડિવોર્સમાં પરિણમ્યા હતા.

Back to top button