Happy Birthday: જેમણે ફિલ્મોમાં બ્રેક આપ્યો તેમને જ શ્રાપ આપ્યો હતો આ કલાકારે

છેક શિમલાથી યુવાન વયે આવેલા આ કલાકારને એક 65-70 વર્ષના બુઢ્ઢાનો રોલ આપવામાં આવ્યો હતો. પોતે 28 વર્ષનો હતો, પણ ફિલ્મોમાં કામ મેળવવા એટલી કસરત કરી હતી કે સારો રોલ જોઈ ફિલ્મ સાઈન કરી લીધી. વૃદ્ધનો રોલ સ્વીકાર્યો અને ખુશ થયો કે ફિલ્મ મળી ગઈ ત્યાં ફરી ટ્વિસ્ટ આવ્યો અને ફિલ્મ નિર્માતા-નિર્દેશકે તેને કાઢી સંજીવ કુમારને સાઈન કરી લીધા. આ સમયે ખૂબ જ ક્રોધે ભરાયેલા આ યુવાને તે નિર્માતાને શ્રાપ આપ્યો હતો કે તમારી ફિલ્મોમાં સચ્ચાઈ હોય છે, પણ તમારા મનમાં નથી. તમને એક બ્રાહ્મણનો શ્રાપ લાગશે.

નવાઈની વાત તો એ કે સામે પક્ષે પણ બ્રાહ્મણ જ હતા, પરંતુ તેમને આ યુવાનની વાત સ્પર્શી ગઈ અને તેમણે ફરી તેને સાઈન કરી તેની સાથે જ ફિલ્મ બનાવી. આ ફિલ્મ એટલે 90ના દાયકાની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક સારાંશ (SARANSH). નિર્માતા એટલે આપણા ગુજરાતી બ્રાહ્મણ મહેશ ભટ્ટ (MAHESH BHATT) અને અભિનેતા એટલે ખૂબ જ વર્સટાઈલ એક્ટર અનુપમ ખેર (ANUPAM KHER). આજે અનુપમ ખેરનો 69મો જન્મદિવસ છે.

પોતાના નામને બખૂબી સાર્થક કરનાર અનુપમ ખેર (ANUPAM KHER) કાશ્મીરી પંડિત છે અને શિમલામાં તેમનો જન્મ થયો. અહીંથી શિક્ષણ લઈ તેમણે દિલ્હી ખાતે એનએસડી (NSD) જોઈન કર્યું. તાલીમ લીધા બાદ સપનાઓ લઈ તેઓ મુંબઈ આવ્યા. અહીં રેલવે સ્ટેશન પર સૂવા સુધીનો સંઘર્ષ તેમણે કર્યો.

ઘણી મહેનત બાદ કામ ન મળ્યું ને નિરાશ થઈ પાછા શિમલા પણ ગયા. ત્યારબાદ મળી સારાંશ અને સારાંશમાં વૃદ્ધનો રોલ કરીને આ યુવાને સૌને ચોંકાવી દીધા. ત્યારબાદ અનુપમ ખેરે આજ સુધીમાં લગભગ 500 આસપાસ ફિલ્મો કરી છે. તેમની ઘણી ફિલ્મોમાં તેમનું પાત્ર લીડ રૉલ જેટલું જ મહત્વનું હોય છે.

જોકે અનુપમ ખેર જેવા અભિનેતા માટે પાત્રની લેન્થ કે સ્પેસ મહત્વની નથી. તે પોતાને મળતી સ્પેસમાં જ ખીલી ઉઠે છે. તમે સુભાષ ઘાઈની રામ લખન કે મહેશ ભટ્ટની દિલ હૈ કી માનતા નહીં યાદ કરશો તો તમને મુખ્ય કલાકારો સાથે અનુપમ ખેર ચોક્કસ યાદ આવશે.

અનુપમ ખેરે માત્ર ફિલ્મ નહીં પણ તમામ ક્ષેત્રના લોકોને એક પાઠ ભણાવ્યો છે કે તમને જે તક મળે, તે નાની હોય કે મોટી તેને ઝડપી તેને સોનેરી બનાવવાની જવાબદારી તમારી છે. ખેરના પત્ની કિરણ ખેર (KIRAN KHER) પણ એક સારા અભિનેત્રી છે અને ભાજપના સાંસદ પણ છે. અનુપમને જન્મદિવસની ખૂબ શુભકામના