Happy Birthday: મંજાયેલા આ મરાઠી માણૂસે ચરિત્ર અભિનેતા તરીકે અલગ જ સ્થાન બનાવ્યું
તમે નાના પાટેકર જેવા ઉચા દરજ્જાના કલાકારની ફિલ્મ નટસ્રમાટ યાદ કરો અને તેમની સાથે તમને આ અભિનેતાની ભૂમિકા અને ચહેરો પણ યાદ આવે કે તમે સલમાન-ઐશ્વર્યા-અજય દેવગનની સુપરહીટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમને યાદ કરો ત્યારે પણ તમને આ અભિનેતા યાદ આવે તો કહેવાની જરૂર નથી કે તેમની કલાકારી કેટલી મંજાયેલી હશે. ભૂમિકા નાની મોટી હોય કે ગમે તેવા મોટા કલાકાર સાથે તમારે સ્ક્રીન શેર કરવાનો હોય, જો તમે તમારી હાજરી નોંધાવી શકો તો જ તમે સાચા કલાકાર કહેવાઓ અને આવા જ કલાકારનો આજે જન્મદિવસ છે.
કલાકારોથી ભરેલા મરાઠી પરિવારમાં જન્મેલા વિક્રમ ગોખલેનો આજે જન્મદિવસ છે. તેમના પરદાદી, માતા-પિતા અને ભાઈ કલાજગત અને નાટ્યજગત સાથે ઘરબો ધરાવે છે. જોકે તેમ છતાં વિક્રમ ગોખલેએ ફિલ્મો અને ટીવીજગતમાં પોતાનું સ્થાન બનાવવા ભારે મહેનત કરવી પડી.
30 ઓક્ટોબર, 1940ના રોજ જન્મેલા વિક્રમ ગોખલેએ ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં કામ કરીને પોતાની અભિનય પ્રતિભાથી પોતાના માટે એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. પીઢ અભિનેતાએ ઇન્દ્રધનુષ, વિરુદ્ધ, સંજીવની, અલ્પવિરામ અને ઘણા વધુ જેવા શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. અભિનય ઉપરાંત, તેણે નિર્દેશનમાં પણ હાથ અજમાવ્યો અને તેની પ્રથમ મરાઠી ફિલ્મ ‘આઘાત’નું દિગ્દર્શન કર્યું. વિક્રમ ગોખલેના જીવન સાથે જોડાયેલી ઘણી સિદ્ધિઓ અને વિવાદો છે. જોકે આજે તેમના જન્મદિવસે તેમણે અભિનેતા અમિતાભ બચ્ચન માટે કહેલી એક વાત અહીં શેર કરીએ છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોખલે જ્યારે મુંબઈમાં ઘર માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે બીગબીએ તેમને મદદ કરી હતી.
એક ઈન્ટરન્યુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મારે ઘણા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. હું ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો અને મુંબઈમાં આશ્રય શોધી રહ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચનને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે 1995-99 દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા મનોહર જોશીને અંગત રીતે પત્ર લખ્યો હતો. અને તેમની ભલામણને કારણે જ મને સરકાર તરફથી મકાન મળ્યું હતું. મારી પાસે હજી પણ તે પત્ર છે જે મેં ફ્રેમ કર્યો છે. તે 1960નું વર્ષ હતું જ્યારે વિક્રમ ગોખલેએ થિયેટરમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને થિયેટર જગતમાં ખૂબ પ્રખ્યાત નામ બની ગયા હતા. જો કે, 2016 માં તેણે ગળાની બિમારીને કારણે સ્ટેજ પરથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો 26 નવેમ્બર, 2022માં તેમણે દુનિયાને કાયમને માટે અલવિદા કહી દીધું.
વિક્રમ ગોખલેને તેમના જન્મદિવસે ખૂબ શુભકામના…