Happy Birthday: પિતાએ ગોવિંદાની જેમ લૉંચ ન કર્યો પણ દીકરો નીકળ્યો હોશિયાર
ગોવિંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ચીલો ચાતરનાર હીરો તરીકે જાણીતો છે. પોતાની અદા, ડાન્સ સ્ટાઈલ, કૉમેડી વગેરેથી તેણે એક મોટો ચાહક વર્ગ ઊભો કર્યો છે. આ ગોવિંદાની કરિયરને આસમાને પહોંચાડવામાં ડિરેક્ટર ડેવિડ ધવનનો મોટો હાથ. ડેવિડ ધવનની ફિલ્મોથી ગોવિંદા સુપરહીટ સાબિત થયો. હવે આ જ ગોવિંદાને પોતાનો આદર્શ માનીને એક યુવાને ફિલ્મીજગતમાં પગ મૂક્યો. તેને એમ હતું કે ડિવડ ધવન તેને પણ સાથ આપશે, પણ એવું બન્યું નહીં. જોકે તેનાથી તે રોકાયો નહીં અને પોતાની મેળે જ પોતાની જગ્યા બનાવી. આ હીરો બીજો કોઈ નહીં પણ વરૂણ ધવન. પિતા ડેવિડ ધવને લૉંચ કરવાની ના પાડી દીધી, પણ વરૂણે પોતાનો રસ્તો શોધી લીધો.
આજે બોલિવૂડ એક્ટર વરુણ ધવનને કોઈ ઓળખની જરૂર નથી. તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક સ્થાન બનાવ્યું છે. તેની શાનદાર એક્ટિંગને કારણે વરુણની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. એક સમયે લોકોને લાગતું વરૂણ માત્ર કૉમેડી કે રોમાન્ટિક ફિલ્મો જ કરી શકશે, પણ બદલાપુર અને ઓક્ટોબરમાં તેની ગંભીર એક્ટિંગથી વરુણે સાબિત કરી દીધું હતું કે તે વર્સટાઈલ છે. વરુણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ તે પહેલા પણ તે ઘણા કામ કરી ચુક્યો છે. નાઈટ ક્લબમાં દારૂ વેચવાથી લઈને પેમ્ફલેટ વહેંચવા સુધી વરુણે ઘણી મહેનત કરી છે અને તે પછી તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. આજે વરૂણનો જન્મદિવસ છે.
વરુણે કોલેજકાળથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે નોટિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયો હતો. જ્યાં તેણે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું. તે નાઈટ ક્લબમાં દારૂ વેચતો હતો. આટલું જ નહીં તેણે કોલેજમાં પેમ્ફલેટનું વેચવાનું કામ પણ કર્યું છે.
એક્ટર બનતા પહેલા જ વરુણ ધવને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. વરુણે ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં કરણ જોહરને આસિસ્ટ કર્યો હતો. તે પછી તેણે સ્ટુડન્ટ ઓફ ધ યરથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું અને ફેમસ થઈ ગયો. ચાહકો વરુણને ચોકલેટ બોય તરીકે પણ બોલાવે છે. સ્ટુડન્ટ ઓફ ધ યર પછી તેણે ઓક્ટોબર, બદલાપુર, કુલી નંબર 1, કલંક, ભેડીયા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
બાળપણની મિત્ર નતાશા સાથે લગ્ન કરનાર વરૂણ હવે પિતા બનવા પણ જઈ રહ્યો છે. વરૂણનું નામ અગાઉ આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલું હતું.
વરૂણને જન્મદિવસની શુભકામનાઓ…