મનોરંજન

મૃત્યુ બાદ પણ આ બોલિવૂડની ગુડિયાએ છેલ્લી ફિલ્મમાં કર્યો હતો ધમાકો

આજે બોલિવૂડ અભિનેત્રી દિવ્યા ભારતની 50મી જન્મ જયંતિ છે. પોતાની સુંદરતા ઉપરાંત તે ઉત્કૃષ્ટ અભિનય માટે પણ જાણીતી હતી. એ એવી જૂજ અભિનેત્રીઓમાંની એક હતી જેણે બહુ જ નાની ઉંમરમાં નામ દામ અને ખ્યાતિ મેળવી હતી. બોલિવૂડમાં ગુડિયાતરીકે જાણીતી દિવ્યાએ માત્ર 19 વર્ષની ઉંમરે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. મૃત્યુના આટઆટલા વર્ષો બાદ પણ તે ચાહકોના દિલમાં આજે પણ જીવંત છે. લોકો તેને અને તેના અભિનયને ભૂલી શક્યા નથી. જોકે, તેનું આકસ્મિક મૃત્યુ એક રહસ્યમય પહેલી બનીને જ રહી ગયું.

વિશ્વાત્મા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દિવ્યાએ માત્ર એકાદ-બે વર્ષમાં જ પોતાની ઓળખ બનાવી લીધી હતી. પોતાની ત્રણેક વર્ષની અલ્પ કારકિર્દીમાં પણ તેણે બેક-ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી હતી. જોકે, બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિવ્યાના મૃત્યુ બાદ તેની ત્રણ ફિલ્મ રિલીઝ થઇ હતી અને એ ત્રણે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

પાંચ એપ્રિલ 1993ના રોજ શંકાસ્પદ સંજોગોમાં દિવ્યાનું મૃત્યુ થયું હતું. પોતાના માસુમ ચહેરાથી તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. દિવ્યાએ 14 વર્ષની ઉંમરે જ અભ્યાસ છોડી દીધો હતો. અને મોડેલિંગ શરૂ કર્યું હતું. દિવ્યાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘બોબિલી રાજા’થી કરી હતી. દિવ્યા ભારતીએ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિશ્વાત્મા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું ગીત ‘સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ’ આજે પણ લોકપ્રિય છે. શાહરૂખ ખાને 1992માં દિવ્યા સાથે ફિલ્મ ‘દીવાના’થી ડેબ્યૂ કર્યું હતું. તે સમયે દિવ્યાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ ફિલ્મ જોરદાર હિટ બની હતી. બોલિવૂડમાં તેની હિટ ફિલ્મોમાં ‘દીવાના’, ‘વિશ્વાત્મા‘, ‘શોલા ઔર શબનમ’, ‘દિલ કા ક્યા કસૂર’, ‘ગીત’, ‘બલવાન’ અને ‘દિલ આશના’નો સમાવેશ થાય છે.

દિવ્યા ભારતી મૃત્યુ પહેલા અનિલ કપૂર સાથે લાડલા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેના મૃત્યુ બાદ શ્રીદેવીએ આ ફિલ્મ પૂરી કરી હતી. દિવ્યાના મૃત્યુ બાદ તેની ફિલ્મ ‘રંગ’, ‘શતરંજ’ અને ‘થોલી મુદ્દુ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મો હિટ રહી હતી.


આજે ભલે અભિનેત્રી આપણી વચ્ચે નથી, પણ તેની જન્મજયંતિએ આપણે તેને યાદ જરૂર કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button