Happy Birthday: actor બનવા આવ્યા હતા આજે director બની એક્ટર્સને શિખવાડે છે એક્ટિગ

જે રીતે અભિનેતાઓ માટે મેઈનસ્ટ્રીમથી અલગ ફિલ્મો કરી નામ કમાવવું અઘરું છે, તેવું જ ડિરેક્ટર્સનું છે. અલગ પ્રકારની સ્ટોરીને સ્ક્રીન પર ન્યાય આપવો અઘરો છે. વાર્તા કહેવાની રીત જ જો બરાબર ન હોય તો સારી વાર્તા અને સારા અભિનય છતાં ફિલ્મ હીટ જતી નથી. ખરા અર્થમાં ફિલ્મના બે હીરો હોય છે કે વાર્તા લખનારો અને બીજો વાર્તા કહેનારો. આજે એક સફળ વાર્તા કહેનારનો જન્મદિવસ છે, જેણે ઘણી અઘરી વાર્તાઓ સારી રીતે કહી છે અને લોકોને ગમી છે.
જબ વી મેટ, લવ આજ કલ, હાઈવે, રોકસ્ટાર, તમાશા જેવી શાનદાર ફિલ્મોના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીનો આજે જન્મદિવસ છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ઓટીટી ફિલ્મ અમર સિંહ ચમકીલા પણ ખૂબ જ સફળ રહી છે.
ઈમ્તિયાઝ અલીનું જીવન પણ કંઈક અંશે ફિલ્મી છે. તે બિહારના દરભંગાનો છે, વાયા દિલ્હી તે મુંબઈ આવ્યો અને અહીં તેને ઓલખ મળી. તેના જીવનનો ઘણો સમય જમશેદપુરમાં પણ વિત્યો છે અને આ અરસો તેના જીવનમાં ઘણા ફેરફાર લાવ્યો. ઈમ્તિયાઝ અલીનો જન્મ 16 જૂન 1971ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ, પટનામાંથી કર્યો હતો. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે જમશેદપુર આવ્યો. અહીં ઇમ્તિયાઝ તેની કાકી સાથે રહેતો હતો. ઘરની નજીક એક થિયેટર હતું, જ્યાં તે ઘણીવાર ફિલ્મો જોવા જતો હતો. અહીંથી જ સિનેમા અને થિયેટર પ્રત્યે તેમનો રસ વધ્યો.
જમશેદપુરમાં રહેતા ઈમ્તિયાઝે પોતે થિયેટર કરવાનું શરૂ કર્યું અને બાકીના સમયમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ દિલ્હી આવ્યા અને દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી અભ્યાસ કર્યો. અહીં તેણે થિયેટરમાં પણ ભાગ લીધો હતો. આ પછી તે સપના લઈ આવ્યો મુંબઈ. મુંબઈમાં રહેતા ઈમ્તિયાઝે ઝેવિયર્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા કોર્સ કર્યો હતો. ઇમ્તિયાઝ અલીએ ટીવી સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેણે ઝી ટીવીનો શો કુરુક્ષેત્ર અને દૂરદર્શનનો શો મહાભારતના ડિરેક્શનમાં ભૂમિકા ભજવી હતી.
ટીવી પછી તે ફિલ્મો તરફ વળ્યો. વર્ષ 2005માં, દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ સોચા ના થા સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભય દેઓલ અને આયેશા ટાકિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા. એક વાતચીતમાં તેણે જણાવ્યું કે તેને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ તે બનાવતી વખતે તેણે ફિલ્મ મેકિંગની ઘણી બારીકીઓ શીખી. આ પછી 2006માં રિલીઝ થયેલી ઈમ્તિયાઝની ફિલ્મ આહિસ્તા આહિસ્તાને પણ ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો. પરંતુ 2007માં રિલીઝ થયેલી જબ વી મેટએ ઈમ્તિયાઝ અલીની મહેનતને જશ અપાવ્યો. ઘણા વર્ષોના સંઘર્ષ પછી આ ફિલ્મે તેમને એક સફળ નિર્દેશક તરીકે ઓળખ આપી, જેના પછી ઇમ્તિયાઝ અલીની કારકિર્દી શરૂ થઈ. ત્યારબાદ તેણે રોકસ્ટાર હેરી મેટ સેજલ, હાઈવે અને લવ આજ કલ જેવી ફિલ્મો કરી.
જોકે ઘણાને ખબર નહીં હોય કે ઈમ્તિયાઝ અલી એક્ટર બનવાનું સપનું લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો, પરંતુ તે અધૂરું રહ્યું. દિગ્દર્શક તરીકે તેમને સારી ઓળખ મળી છે. ઇમ્તિયાઝે વિન્ડો સીટ ફિલ્મ્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું. તેની પ્રથમ ફિલ્મ હાઈવે હતી, જેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઘણી જબરદસ્ત ફિલ્મો આપનાર નિર્દેશક ઈમ્તિયાઝ અલી OTTની દુનિયામાં કામ કરે છે. તેની સિરિઝ શીને જાજો રિસ્પોન્સ મળ્યો નહીં, પણ ચમકીલાએ તેને ફરી ચમકતો કરી દીધો.
ઈમ્તિયાઝને જન્મદિન મુબારક