મનોરંજન

તેરે હુશ્ન કી ક્યા તારીફ કરુંઃ આજે 50 વર્ષની થઈ આ વિશ્વસુંદરી

જાણો શું છે કારણ

કુદરતે આપેલા સૌદર્યનો કોઈ મુકાબલો કરી શકતા નથી. કુદરત કોઈને કેટલું સુંદર બનાવે તેનું કોઈ પ્રમાણ એક માપદંડ બનાવવો હોય તો એક જ નામ મનમાં આવે અને તે છે ઐશ્વર્યા રાય. નીલી આંખો અને અપાર સુંદર ચહેરાના પ્રેમમાં કોઈપણ પહેલી નજરે પડી જાય. વર્ષો પહેલા એક એડવર્ટાઈઝમેન્ટ દ્વારા કેમેરા સામે આવનારી ઐશ્વર્યા આજે જીવનના 50માં વર્ષમાં પ્રવેસ કરી રહી છે.

આ વર્ષોમાં તેણે પોતાને નામ ઘણા એવોર્ડ્સ કર્યા છે, ઘણા બહુમાન મેળવ્યા છે અને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો અને 1994માં મિસ વર્લ્ડનો તાજ તેને પહેરાવાયો હતો. તેને જોઈ માત્ર ભારતીયો જ નહીં, પણ આખા વિશ્વની આંખો પહોંળી થઈ હતી.

પોતાના સપના પૂરા કરવાની શક્તિ ધરાવતી ઐશ્વર્યાએ હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી છે. 1998માં બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરનાર ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ આઈકન બની ગઈ છે. તેણે ગુરિન્દર ચઢ્ઢાની ‘બ્રાઈડ એન્ડ પ્રિજ્યુડિસ’ અને જગ મુંદ્રાની ‘પ્રોવક્ડ’ સહિત અનેક હોલીવુડ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.


જોકે તેમને લગભગ જાણ નહીં હોય કે ઐશ્વર્યાએ પહેલીવાર કેમેરો ક્યારે ફેસ કર્યો હતો. તે જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે તેને પ્રથમ ટીવી કમર્શિયલ મળી હતી. ટીવી જાહેરાત કેમલિન પેન્સિલ માટે હતી. ઐશ્વર્યા મેડિસિન ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. પાછળથી તેને આ વિચાર છોડી દીધો અને આર્કિટેક્ચરનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં જતા પહેલા રચના સંસદ એકેડેમી ઓફ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવ્યો. જોકે, તેણે મોડલિંગમાં કરિયર બનાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.


1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતતા પહેલા, ઐશ્વર્યાએ મહિમા ચૌધરી અને આમિર ખાન સાથે સંજુ પેપ્સીની જાહેરાતમાં દેખાય હતી. તેની પ્રથમ અભિનયની શરૂઆત 1997 માં તમિલ ફિલ્મ, ઇરુવરમાં થઈ હતી અને તે જ વર્ષે, ઐશ્વર્યા અભિનેતા બોબી દેઓલની સામે બોલિવૂડ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’માં જોવા મળી હતી.


ઐશ્વર્યા 2003માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય બનનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. નેધરલેન્ડના કેયુકેનહોફ ગાર્ડનમાં તેના નામ પર ટ્યૂલિપનું ફૂલ છે. ઓપ્રાહ વિન્ફ્રે શોમાં આમંત્રિત થનારી ઐશ્વર્યા પ્રથમ ભારતીય અને મેડમ તુસાદ તરફથી પ્રતિમા મેળવનાર પ્રથમ મહિલા હતી.

તેમના નામ સાથે ઘણા લોકપ્રિય ટાઇટલ જોડાયેલા છે. તેમને 2009માં પદ્મશ્રીથી નવાજવામાં આવી. ઐશ્વર્યાને 2012માં ફ્રાન્સની સરકાર દ્વારા Ordre des Arts et des Lettres પણ એનાયત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ઐશ્વર્યા એકમાત્ર અભિનેત્રી હતી જેને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ સાથે લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં તે હાજરી આપી શકી ન હતી.


ઐશના હુલામણા નામથી ઓળખાતી અભિનેત્રીની વ્યક્તિગત જિંદગી પણ છાપે ચડી છે. અભિનેતા સલમાન ખાન અને તે બાદ વિવેક ઓબેરોય સાથેના સંબંધો એક સમયે ચર્ચાનો વિષય હતા. તે બાદ બોલીવૂડના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા બચ્ચન ખાનદાનની તે વહુ બની. અભિષેક બચ્ચન સાથે તેના લગ્ન થયા અને હાલમાં તે આરાધ્યા નામની એક પુત્રીની માતા છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી ઐશ્વર્યા આજે પણ લાખો નહીં કરોડો દિલની ધડકન છે.
ઐશ્વર્યાને જન્મદિવસની શુભેચ્છા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો