All The Best Pandya review : ગુજરાતીમાં કંઈક નવું જોઈતું હતું ને, લો આવી ગયું પણ…

લગન, લગન ને લગન (એટલે કે લગ્ન) અને બસ ફેમિલી ડ્રામા. ગુજરાતી ફિલ્મોમાં કંઈ નવું થતું નથી. અર્બન ફિલ્મ્સના નામે કંઈપણ ઠોકી બેસાડે છે. આ ફરિયાદ વારંવાર થતી રહી છે. સો ટકા સાચી નથી, ગુજરાતી ફિલ્મીજગત પણ થોડાઘણા અખતરા કરતું થઈ ગયું છે, પરંતુ ફિલ્મરસિયાઓની અપેક્ષાઓ કરતા કંઈક ઓછું જ થઈ રહ્યું છે. ત્યારે આ મ્હેણું ભાંગતી અમુક ફિલ્મોની યાદીમાં એક વધારે જોડાઈ ગઈ છે ઑલ ધ બેસ્ટ પંડયા. તો ચાલો ગઈકાલે રિલિઝ થયેલી આ ફિલ્મનો રિવ્યુ જાણીએ.
Also read : ટૂંક સમયમાં જ આવશે પંચાયતની સીઝન 4? અભિનેતાએ પોસ્ટ કરી આપી હિંટ

શું છે ફિલ્મની વાર્તા
ફિલ્મની આખી વાર્તા તો અમે તમને નહીં કહીએ પણ તમે ટ્રેલરમાં જોયું હશે તેમ બાપ દીકરાના ખાટામીઠાં સંબંધો અને તેના વચ્ચે પિસાતી, પણ સેતુ બનીને ઊભી રહેલી માની આ વાર્તા છે. મિડલ ક્લાસ પરિવારની અપેક્ષા હોય કે દીકરો મોટો થઈ પાટે ચડે, દીકરો ભણે તો વકીલાત પણ તેને કરવો છે ધંધો અને નજર છે બાપના પીએફના પૈસા પર. બાપને ખાતરી કે દીકરો કંઈ ઉકાળશે નહીં, અંદરથી ઈચ્છા પણ ખરી કે એક તક આપું ને દીકરો સફળ થાય તો મારો ઉછેર લેખે લાગે. આ બધા વચ્ચે સિદ્ધાંતવાદી અને પ્રામાણિક બાપને એક ષડયંત્રમાં ફસાવવામાં આવે ને ત્યારબાદ દીકરો સાબિત કરે કે તે કેટલો હોનહાર છે. બસ આ જ ફિલ્મની વાર્તા છે.
પણ વાર્તામાં નવીનતા ભરવા લેખકો-નિર્દેશકોએ ઉમેર્યો છે કોર્ટ સિન. ગુજરાતી ફિલ્મોમાં આટલો લાંબો અને મજેદાર કોર્ટરૂમ સિન લગભગ નહીં હોય. આ સાથે માતાની લાગણીને વાચા આપતું સાહિત્ય, ગીતો, ફિલ્મો આપણી પાસે છે, પરંતુ બાપની લાગણીઓ અને સંતાનના ઉછેર માટે તેણે લીધેલી મહેનત બહુ ઓછી દેખાડાઈ છે. દિવસ-રાત સંઘર્ષ કરતો, ચપ્પલ ઘસતો, પરિવાર સામે મજબૂતાઈથી ઊભેલો બાપ ભલે કઠોર લાગતો હોય પણ સંતાન માટે તેની લાગણીઓ કે મમતા મા કરતા ઓછી હોતી નથી.
Also read : પોતાનાથી 36 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બી-ટાઉનના દિગ્ગજ અભિનેતાએ આપ્યો એવો કિસિંગ સીન કે…
કોર્ટરૂમ ડ્રામા અને ફેમિલી ડ્રામાનું મિશ્રણ કરી આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેના લીધે ક્યાંક નબળી પણ પડી છે, પરંતુ કંઈક નવો વિષય જોવા મળ્યો છે. મા જ્યારે દીકરાને કહે છે કે તારા વૉલેટમાં છાનામાના રોજ પૈસા જે મૂકે છે તે હું નહીં તારા પપ્પા છે કે દીકરાને ખબર પડે છે કે પોતાનું સપનું પૂરું કરવા બાપ પણ મહેનત કરે છે ત્યારે ગુજરાતી દર્શકોની આંખો ભીંજાશે તે નક્કી. ફિલ્મનો એન્ડ પણ જબરું સસ્પેન્સ ખોલે છે. એકંદરે તમે એક ના એક ફેમિલી ડ્રામા કે લવસ્ટોરી કરતા કંઈક નવું જોતા હોય તેમ લાગે છે.
કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
માતા-પિતા અને પુત્રના પાત્રમાં વંદના પાઠક, દર્શન જરીવાલા અને મલ્હાર ઠક્કર છે. મંજાયેલા કાલાકારો પાસેથી જેવી અપેક્ષા હોય તેવી જ એક્ટિંગ તેમણે કરી છે. સાદીસીધી સાડીઓમાં એક મિડલ ક્લાસ મમ્મી તરીકે વંદના ખૂબ જ સારો અભિનય કરે છે તો સંતાનને પ્રેમ કરતા પણ અભિવ્યક્ત ન કરી શકતા પિતા તરીકે દર્શન જરિવાલામાં તમને લગભગ તમારા પિતા દેખાશે. ગલીબૉય અને નકામા છોકરા તરીકે મલ્હાર હંમેશાં ખિલી ઉઠે છે, પરંતુ આ ફિલ્મમાં તેણે બે પાત્રોને ન્યાય આપવાનો છે અને બાપને ન્યાય અપાવતા વકીલ તરીકે પણ તેનો અભિનય ધ્યાન ખેંચે તેવો છે. ફિલ્મનું સંગીત મધુર છે.
મલ્હારને બરાબરની ટક્કર આપે છે વેદીશ ઝવેરી. સામા પક્ષના વકીલ ખીમાણીના રોલમાં વેદીશે દમદાર અભિનય કર્યો છે. ડાયલૉગ ડિલેવરીથી માંડી હાવભાવ, અવાજ બધું જ વેદીશને પાવરધો અભિનેતા સાબિત કરે છે. ફિલ્મમાં હીરોઈન તરીકે યુક્તિ પાસે કરવા માટે ઘણું ઓછું છે, પણ ભૂમિના પાત્રમાં તે ઘણી સુંદર દેખાય છે અને તેણે પણ પોતાના પાત્રને ન્યાય કર્યો છે. તેમના સિવાયના પાત્રોએ પણ પોતાને મળેલી સ્ક્રીનસ્પેસમાં સારું પર્ફોર્મ કર્યું છે.
ડિરેક્શનની વાત કરીએ તે પહેલા સ્ટોરીની વાત કરીએ તો અંકિત બ્રહ્મભટ્ટ, નિકિતા શાહ, અદિતી વર્મા અને પ્રેમ ગઢવીએ કંઈક નવું આપવાની કોશિશ કરી છે, પરંતુ તેમાંથી જૂનું કાઢતા રહી ગયું છે. દરેક વખતે ગુજરાતી પરિવાર બાજુવાળાને હાંડવો કે કડક પૂરી જ આપવા જાય તે જરૂરી નથી. છોકરમત, અલ્હડ મલ્હાર બધાએ જોયો છે અને વારંવાર જોયો છે, તેના કેરેક્ટરને કંઈક નવો રંગ આપી શકાયો હોત. વકીલ હોય તો કોઈક ફર્મમાં નોકરી કરતો અને કામચોરી કરતો અને સપના જોતો બતાવી શકાયો હોત. યુક્તિને પણ કંઈક કરતી બતાવી શકાય હોત.
આ સાથે કોસ્ચ્યુમ ડિઝાઈનરને ખાસ પૂછવાનું મન થાય કે આજની ભણેલીગણેલી યુવાન છોકરીના રોલમાં ભૂમિ (યુક્તિ)ને સાદીસીધી કોટન સાડીઓ શા માટે પહેરાવી. તે કોઈ ટીચર કે લેક્ચરરના રોલમાં હોય તો ઠીક છે. તેની સુંદરતાને ફિલ્મમાં વધારે સારી રીતે રજૂ કરી શકાય હોત.
કોર્ટરૂમના સિન્સ ઘણા રસપ્રદ હતા, પણ આ સેગમેન્ટ થોડું ખેંચાઈ ગયું હોય તેમ લાગ્યું. ફિલ્મનું ડિરેક્શન રાહુલ ભોલે, વિનિત કનોજિયાએ કર્યું છે. એકંદરે સારું અને પ્રભાવ છોડી દે તેવું છે, પણ ફિલ્મ એડિટિંગમાં ક્યાંક કાચી પડી છે. જ્યોતિષ ચોર નીકળે ને તેને લેવા રાજસ્થાનની પોલીસ તે જ સમયે કોર્ટમાં આવી જાય તેવું ઘણું બધું કટ થઈ શક્યું હોત. એન્જિનિયર યુવક અને જજ વચ્ચેનો સંવાદ ફની હતો, પણ વધારે ચાલ્યો હોય તેમ લાગે છે. ફિલ્મની લંબાઈ પંદરેક મિનિટ કટ થઈ હોત વધારે અસર છોડી હોત.
Also read : બ્લેક બ્રાલેટ વર્કઆઉટ માટે નીકળેલી મલાઈકા અરોરાએ ચાહકોના દિલ જીત્યા, જુઓ વાઈરલ તસવીરો
ખૈર, એકંદરે ફિલ્મ તમને મજા કરાવે છે. નવો અને સારો અનુભવ આપે છે. શનિ-રવિની રજાઓ છે અને બહાર તો ભારે ગરમી છે તો ફેમેલી કે ફ્રેન્ડ્સ સાથે થિયેટરમાં જઈ હળવા થવા જેવી ફિલ્મ એક સારો ઑપ્શન છે.

મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3.5