પદ્માવત ફિલ્મ વિવાદ: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસો પરત ખેંચાયા…

ગુજરાત સરકારે વર્ષ 2017માં ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયની કાયદાકીય પ્રક્રિયા અને સમાજના અગ્રણીઓની રજૂઆતો બાદ મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના મહત્વના કેસો પરત ખેંચવાની મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી આંદોલન સમયે આવેશમાં આવીને કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા અનેક યુવાનોને મોટી રાહત મળી છે. જોકે, અમદાવાદના કેટલાક કેસો હજુ પેન્ડિંગ છે, જેના પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
વર્ષ 2017માં જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થઈ, ત્યારે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજનો આરોપ હતો કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવું ચિત્રણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાણી પદ્માવતીના પાત્રને કાલ્પનિક દ્રશ્યો દ્વારા ખોટી રીતે રજૂ કરી બોક્સ ઓફિસ છલકાવવાનું કાવતરું હોવાનો દાવો કરાયો હતો. આ સન્માનની લડાઈમાં ગુજરાતભરમાં ઉગ્ર આંદોલનો થયા હતા, જેમાં અનેક યુવાનો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ હતી.

યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાનીમાં કરણી સેના, મહાકાલ સેના અને રાજપૂત વિદ્યાસભા જેવી 50થી વધુ સંસ્થાઓએ સરકારમાં રજૂઆત કરી હતી. જુલાઈ 2025માં પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2025માં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ આ બાબતે હકારાત્મક ખાતરી આપી હતી, જેનો અમલ હવે શરૂ થયો છે.
સરકારની સૂચના બાદ મહેસાણા અને વિજાપુર (મહુડી) પંથકના કેસો પરત ખેંચવાની અરજી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે સરકારની આ અરજી ગ્રાહ્ય રાખતા કુલ 11 જેટલા નાના-મોટા કેસો સત્તાવાર રીતે પરત ખેંચાયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોની વર્ષોની મહેનત હવે રંગ લાવી છે. આ નિર્ણયને સમાજમાં આવકારવામાં આવ્યો છે, કારણ કે તેનાથી અનેક નિર્દોષ યુવાનોના માથેથી પોલીસ કેસનું ભારણ હળવું થયું છે અને સામાજિક સમરસતાના નવા અધ્યાયની શરૂઆત થઈ છે.



