ગુજરાત ફિલ્મ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો: ‘વશ’ જેવી રાષ્ટ્રીય વિજેતા ફિલ્મ કેમ રહી વંચિત?

ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અમલમાં લાવી છે. જેના હેઠળ દર વર્ષે વિવિધ 46 કેટેગરીમાં ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે અને ગુજરાતી ચલચિત્ર પારિતોષિકની જાહેરાત કરવામાં આવે છે. વિજેતા ફિલ્મોને રોકડ પુરસ્કાર તથા પારિતોષિક આપવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2023 માટેની વિજેતા ફિલ્મોના નામની જાહેરાત કરી છે. જેમાં 46 કેટેગરી પૈકી 40 કેટેગરીની ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મોમાં નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે ગુજરાતી ચલચિત્ર પારિતોષિકની પસંદગી અંગે ઘણા સવાલ ઊભા થયા છે. ત્યારે આ રાજ્ય કક્ષાએ ફિલ્મોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવવાથી કેમ વંચિત રહી ગઈ? આવો જાણીએ.
ફિલ્મ પારિતોષિક માટે એન્ટ્રી સબમિટ કરવી પડે છે
‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ હેઠળ ફિલ્મોને પુરસ્કાર કેવી રીતે આપવામાં આવે છે? આ અંગે જાણીતા સમીક્ષક અને ફિલ્મ રિસર્ચર પ્રૉ. કાર્તિકેય ભટ્ટે મુંબઈ સમાચાર સાથે વાતચીત કરી હતી. પુરસ્કાર માટે ફિલ્મને પસંદગી કરવાની પ્રક્રિયા વિશે પ્રૉ. કાર્તિકેય ભટ્ટે જણાવ્યું હતું કે, “જેતે વર્ષની 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી રિલીઝ થયેલી ફિલ્મો પારિતોષિક માટ અરજી કરે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે.
તેથી જે ફિલ્મ નિર્માતાએ પોતાની એન્ટ્રી મોકલી હોય તેમની જ ફિલ્મો જ્યુરી દ્વારા જોવામાં આવે છે. તેથી ઘણીવાર ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હોય, નેશનલ લેવલે તેના વખાણ થયા હોય પરંતુ તેના નિર્માતાએ સમસસર ફોર્મ ન ભર્યું હોય અથવા તો તેને સરકારી એવોર્ડમાં કોઈ રસ ન હોય તેથી ફોર્મ ન ભર્યું હોય. તેથી આવી ફિલ્મો જ્યુરી પાસે આવતી નથી અને તેને એવોર્ડ આપવાનો સવાલ આવતો નથી.” તેથી જે લોકો ઘણી સારી ફિલ્મોને એવોર્ડ નથી અપાયો એવું કહી રહ્યા છે, તેમણે પહેલા એ તપાસી લેવું જોઈએ કે, એ ફિલ્મોએ પારિતોષિક માટે અરજી કરી હતી કે નહીં.
2023માં રિલીઝ થયેલી ફિલ્મને 2022નો એવોર્ડ કેવી રીતે મળ્યો?
પ્રૉ. કાર્તિકેય ભટ્ટે આગળ જણાવ્યું હતું કે, “નેશનલ ફિલ્મ સેન્સર સર્ટિના વર્ષને માન્ય રાખે છે. ડિસેમ્બર 2022ના અંતમાં સેન્સર સર્ટિફિકેટ મેળવનાર ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ જાન્યુઆરી 2023માં રિલીઝ થઈ હતી. જેથી 2022ની ફિલ્મો માટે 2023માં જે ફિલ્મો માટેના જે નેશનલ એવોર્ડ અપાયા. તેમાં મહિલા સશક્તિકરણની નિસ્બતવાળી ફિલ્મો માટે ‘કચ્છ એક્સપ્રેસ’ને નેશનલ એવોર્ડ મળ્યો છે.
માનસી પારેખને પણ બેસ્ટ અભિનેત્રી માટે 2022નો એવોર્ડ મળેલો છે. હવે આ ફિલ્મ 2023 માટે રાજ્ય સરકાર પાસે આવી છે. પરંતુ તેને બહું ઓછા માત્ર બે જ એવોર્ડ મળ્યા છે. જેમાં પણ માનસી પારેખને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ તથા મહિલા સશક્તિકરણના મુદ્દાને લગતો એવોર્ડ પણ નથી મળ્યો. તેથી નેશનલ કક્ષાએ જે ફિલ્મને એવોર્ડ મળ્યો તેને રાજ્ય કક્ષાએ એવોર્ડ ના મળ્યો, એવા પ્રશ્નો ઊભા થતા હોય છે.”
સ્પર્ધકોએ નિર્ણાયક ન બનવું જોઈએ
સરકાર એવોર્ડ આપવામાં કોઈ પક્ષપાત કરતી નથી. એવો મારો વ્યક્તિગત અનુભવ છે. સરકાર બધુ તજજ્ઞો પર છોડી દે છે. આપણે ત્યાં તજજ્ઞોની જે કમિટિ બનાવવામાં આવી છે. જેમાં ઘણા બધા તજજ્ઞોના નામ મૂકવામાં આવ્યા છે. જેની યાદીને જોતા એવું લાગે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ બાકી જ ના રહ્યું હોય. એટલી મોટી પેનલ છે. તેથી કબડ્ડીનો પ્લેયર જ કબડ્ડીનો રેફરી પણ છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
અમિતાભ બચ્ચન ક્યારેય ફિલ્મ ફેરની જ્યુરીમાં બેસતા નથી. કારણ કે તેઓ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. આપણે પણ જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થોડે દૂરથી તટસ્થતાપૂર્વક જોઈ શકતા હોય એવા લોકોને પેનલમાં રાખવા જોઈએ. બહુ સારા ફિલ્મ નિર્માતાઓ અને ડિરેક્ટર હોય અને તેઓ ફિલ્મ બનાવે જ છે, તો તેમણે નિર્ણાયક તરીકે રહેવું જોઈએ નહીં. સરકારે પણ આવા લોકોને નિર્ણાયક તરીકે નહીં રાખવા જોઈએ. કારણ કે તમે પહેલેથી જ સ્પર્ધામાં છો. સ્પર્ધામાં હોય તેણે જજ ન બનવું જોઈએ.”
આ પણ વાંચો…હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રચશે નવો ઈતિહાસ, ભારતની પ્રથમ ફિલ્મનું થયું મુહૂર્ત, જાણો ખાસિયતો…
સરકારે પોતાની પોલિસી બદલવી જોઈએ: હિતેન કુમાર
તાજેતરમાં નેશનલ એવોર્ડ્સ 2023ની પણ જાહેરાત થઈ છે. જેમાં ‘વશ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. પરંતુ ગુજરાત સરકારે જાહેર કરેલા એવોર્ડમાં ‘વશ’ ફિલ્મને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. આ અંગે
મુંબઈ સમાચારે ફિલ્મના અભિનેતા હિતેન કુમાર સાથે વાત કરી હતી. નેશનલ લેવલે ડંકો વગાડનારી ફિલ્મને સ્ટેટ લેવલે કોઈ પારિતોષિક ન મળવા બાબતે હિતેન કુમારે રાજ્ય સરકારની પોલિસીને જવાબદાર ગણાવી હતી.
મુંબઈ સમાચાર સાથે વાત કરતા હિતેન કુમારે જણાવ્યું હતું કે, “પારિતોષિક માટેની પોલિસીને લઈને આગળ પણ મારી ફરિયાદ રહી છે. જો નેશનલ લેવલ પર આપણે ‘વશ’ ફિલ્મને સબમિટ કરી શકતા હોય તો સ્ટેટ એવોર્ડની પોલિસીમાં પણ આપણે ક્યાંક એ ચેન્જ કરવા પડે. A સર્ટિફિકેટ માટેની ફિલ્મ એમાં પણ વશ જેવી અદ્ભૂત ફિલ્મને આપણે રાજ્ય કક્ષાના એવોર્ડ માટે ન મોકલી શક્યા તેના માટે આપણે આપણી પોલિસીના જૂનવાણી શિથિલ નિયમોમાં બદલાવ કરવો જરૂરી છે.”
જ્યુરીની પારદર્શકતા પર સવાલ
હિતેન કુમારે આગળ જણાવ્યું હતું કે, “A સર્ટિફિકેટની ફિલ્મને સરકાર સબસિડીમાં સ્થાન ન આપે. પરંતુ આવી ફિલ્મોને સરકાર બેસ્ટ ફિલ્મ કે અન્ય કેટેગરી માટે સબમિટ કેમ ન કરી શકીએ? આ અંગે આપણે મોટા મનથી વિચાર કરવો જોઈએ. આ સિવાય આગંતુક જેવી ફિલ્મને જો કોઈ જગ્યાએ કન્સીડર ન કરવામાં આવે તો આ નિર્ણય લેનાર જ્યુરી મેમ્બર્સની બૌધિક ક્ષમતા પર ક્યાંક શંકા થઈ રહી છે. સરકાર ફિલ્મોને પ્રોત્સાહન આપવાના પૂરતા પ્રયાસો કરી રહી છે. પરંતુ જે નિર્ણાયકો છે, જ્યુરી છે એ લોકોમાં મને પારદર્શકતા નથી દેખાઈ રહી. એ લોકોના કોઈ જુદા કારણો હોઈ શકે છે.”
આ પણ વાંચો…ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ જાહેર: કઈ ફિલ્મનો રહ્યો દબદબો, જાણો કોને મળ્યું શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન?