Ground Zero film review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…

કાશ્મીરના પહેલાગામમાં આતંકવાદનો ભયાનક ચહેરો ફરી દેખાયો અને 26 પ્રવાસીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા. આ ઘટનાએ આખા દેશને હચમચાવ્યો અને ફરી પાકિસ્તાનની નાપાક હરકત સામે રોષ ભડ્ક્યો. દેશના દરેક ગામ-શહેરમાં લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પોતાનો ઊભરો ઠાલવી રહ્યા છે ત્યારે તમારા આ જ સેન્ટીમેન્ટ્સને થિયેટરમાં જોવા માટે ખરે સમયે ઈમરાન હાશ્મીની ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મ આવી છે. ચાલો જાણીએ કેવી છે ફિલ્મ
શું છે વાર્તા
નરેન્દ્ર નાથ ધર દુબે (ઈમરાન હાશ્મી) એક BSF અધિકારી છે અને શ્રીનગરમાં પોસ્ટિંગ થયું છે. અહીં હુસૈન નામના એક યુવાનને તે પોતાના ખબરી તરીકે ટ્રેઈન કરે છે. આ 2001ની વાત છે જ્યારે જૈશ-એ-મોહંમદનો આતંકી ગાઝી બાબાએ કોહરામ મચાવ્યો હતો. સંસદ, અક્ષરધામ બને હુમલા કર્યા હતા. તેના એક હુમલામાં 70 જેટલા જવાનો શહિદ થયા હતા. આ ગાઝીબાબાએ કાશમીરમાં એક હુમલો કર્યો અને તેમાં હુસૈની પણ માર્યો ગયો. પહેલેથી ઉકળતા નરેન્દ્રને વાત ભારે ખૂંચી. હવે તેણે શું કર્યું તેની માટે તમારે ફિલ્મ જોવી પડશે.
કેવું છે ડિરેક્શન અને કેવી છે એક્ટિંગ
આ પ્રકારની ફિલ્મ તમે પહેલીવાર નથી જોતા. ભારત દેશ માટે સરહદ પર જાન કુરબાન કરનારા, બાઝીગર થઈને દુશ્મદેશોને ધૂળ ચટાવનારા, ખુફિયા ઑપરેશન પાર પાડતા કેટલાય વીરો પર બનેલી બાયાગ્રાફી અથવા તો કાલ્પનિક ફિલ્મો તમે જોઈ છે, માણી છે. આ ફિલ્મ તે બધાથી હટકે નથી, પણ નિદેર્શક તરીકે તેજપ્રભા વિજય દેઓસ્કરે આ ફિલ્મને તાજગી ચોક્કસ આપી છે. ફિલ્મના એકશન સિન્સથી માંડીને એક પછી એક લેયર તમને ઝકડી રાખે છે. અહીં ફિલ્મના લેખક સંચિત ગુપ્તા અને પ્રિયદર્શી શ્રીવાસ્તવનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે તેમણે વાર્તા સારી લખી છે અને તેથી સારી રીતે કહી શકાઈ છે. દેઓસ્કરની આ પહેલી થિયેટર રિલિઝ છે. ફિલ્મના ગીત-સંગીત પણ સરસ છે.

વાત કરીએ એક્ટિંગની તો ઘણા લાંબા સમય બાદ થિયેટરોમાં જોવા મળેલા ઈમરાન હાશમી નરેન્દ્રના રોલમાં એકદમ ફીટ બેસે છે. ઈમોશન્સ અને બીએસએફ જવાન તરીકેનો રોફ બન્ને જમાવી જાણે છે. તેની પત્ની તરીકે સંઈ તામ્હણકર પણ એટલી જ નેચરલ લાગે છે. ઝોયા હુસૈન આઈબી અધિકારી તરીકે દમદાર ભૂમિકા નિભાવી ગઈ છે. પણ જો વાત મુકેશ તિવારીની કરીએ તો આ અભિનેતાએ અભિનય સારો કર્યો હોવા છતા હાશ્મીના સિનિયરના રોલમાં તે જામતો નથી. અહીં કાસ્ટિંગમાં માર ખાઈ ગયા હોય તેમ લાગે છે. આ સાથે ફિલ્મ એડિટિંગમાં માર ખાઈ ગઈ છે. અમુક સિન્સ ચીલાચાલુ થઈ ગયા છે. એકંદરે ફિલ્મ જોવાલાયક છે.
મુંબઈ સમાચાર રેટિંગઃ 3.5