ગ્રેમી એવોર્ડ્સ 2026: સંગીતની દુનિયામાં દલાઈ લામાનું મોટું સન્માન, જસ્ટિન બીબર અને લેડી ગાગાનો પાવરપેક પરફોર્મન્સ

લોસ એન્જલસમાં 68મા ગ્રેમી એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સંગીત જગતના દિગ્ગજોએ એક જ મંચ પર હાજરી આપી હતી. આ વર્ષની મ્યુઝિકલ નાઈટમાં લેડી ગાગાથી લઈને જસ્ટિન બીબર સુધીના કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી ચાર ચાંદ લગાવી દીધા હતા. ટ્રેવર નોઆ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ ઈવેન્ટમાં સંગીત, ફેશન અને પ્રતિભાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર સેલેબ્સના અનોખા અંદાજે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
આ વર્ષના ગ્રેમી એવોર્ડ્સમાં સૌથી ગર્વ લેવા જેવી બાબત એ હતી જ્યારે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા. દલાઈ લામાએ તેમની આલ્બમ ‘મેડિટેશન: ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા’ માટે ઓડિયો બુક અને સ્ટોરીટેલિંગ કેટેગરીમાં તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો છે. આ જીત બાદ તેમણે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સન્માન નથી પરંતુ શાંતિ અને માનવતાના સંદેશને ફેલાવવાનું એક માધ્યમ છે.
મ્યુઝિક લવર્સ માટે જસ્ટિન બીબરનું કમબેક કોઈ મોટી ભેટથી ઓછું નહોતું. જસ્ટિન બીબરે તેના હિટ સોંગ ‘YUKON’ પર શર્ટલેસ લુકમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને આખા સ્ટેડિયમને ડોલાવી દીધું હતું. બીજી તરફ, લેડી ગાગાએ પણ તેના 2025ના આલ્બમ ‘મેહેમ’ ના ગીત ‘એબ્રાકાડાબ્રા’ પર રોક સ્ટાઈલમાં પર્ફોર્મ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. સબરીના કાર્પેન્ટર અને એલેક્સ વોરેને પણ પોતપોતાની અનોખી સ્ટાઈલમાં મ્યુઝિક નાઈટને યાદગાર બનાવી હતી.
આ વર્ષે ગ્રેમીમાં ઈતિહાસ પણ રચાયો છે. જાણીતા રેપર ક્રેન્ડ્રિક લેમરે બેસ્ટ રેપ આલ્બમનો એવોર્ડ જીતીને સૌથી વધુ ગ્રેમી જીતનાર રેપર બનવાનું બહુમાન મેળવ્યું છે. આ સાથે જ તેમણે દિગ્ગજ રેપર Jay-Z નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ સિવાય લેડી ગાગાને બેસ્ટ પોપ વોકલ આલ્બમ, બેડ બન્નીને બેસ્ટ અર્બન આલ્બમ અને ઓલિવિયા ડીનને બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ તરીકે નવાજવામાં આવ્યા હતા.



