છૂટાછેડાના અહેવાલો વચ્ચે દીકરાની બર્થ ડે પાર્ટીમાં ગોવિંદા ગેરહાજર

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા ગોવિંદાને જ્યારે પોતાની જ બંદૂકથી ગોળી લાગી હતી ત્યારથી એક અફવાએ જોર પકડ્યું હતું. પત્ની સુનીતા સાથેના તેના કડવા થઈ ગયેલા સંબંધોની અફવાઓ કે અટકળો ત્યારથી વધારે લોકજીભે ચડી હતી, તેવામાં થોડા દિવસો પહેલા જ બન્ને છૂટા પડવાના સમાચારો વહેતા થયા છે અને સુનીતાએ છુટાછેડાની નોટિસ મોકલી હોવાનું ખુદ વકીલે કહ્યું છે. જોકે આ મામલે ગોવિંદા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. અભિનેતા અને પત્ની સુનીતા 37 વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાની ચર્ચાએ બોલીવૂડ અને ફેન્સને ઝટકો આપ્યો છે. આ બધા વચ્ચે ગોવિંદાના પુત્ર યશવર્ધનની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ પાર્ટીમાં પિતા ગોવિંદાની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે.
યશવર્ધનને તેનો 28મો બર્થ ડે મનાવ્યો અને પાર્ટીમાં ઘણા ફિલ્મી સ્ટાર પણ હાજર હતા. જેમાં હમણા હોટસ્ટાર જ બનેલી રાશા થડાની પણ હતી, જોકે પાર્ટીમાં સુનીતા અને તેની દીકરી ટીના હતી, પરંતુ ગોવિંદા ક્યાય દેખાતો ન હતો.
ગોવિંદાથી સુનીતા ઘણા સમયથી અલગ રહે છે તે મામલે સુનીતા અગાઉ સ્પષ્ટતા કરી ચૂકી છે. તેના જણાવ્યા અનુસાર ગોવિંદા રાજનીતિમા રસ લેતો થયો ત્યારથી ઘણા નેતાઓ-કાર્યકર્તાઓ તેમના ઘરે આવતા થયા. આથી મા-દીકરી મુક્તપણે રહી શકે તે માટે તેમણે અલગ ફ્લેટ લીધો છે.
જોકે બન્ને વચ્ચેના સંબંધો હવે છાપે ચડી ગયા છે. અગાઉ બોલીવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના વણસેલા સંબંધોના મીડિયા રિપોર્ટ્સ ભારે વાયરલ થયા હતા. જોકે હવે બન્ન ફરી સાથે દેખાય છે. આશા રાખીએ ગોવિંદાનો સંસાર પણ આ રીતે સુખી રહે.