૩૧ વર્ષની અભિનેત્રી સાથેના સંબંધોને 70 વર્ષના ગોવિંદ નામદેવે નકાર્યા, જાણો કોણ છે?
મુંબઈઃ બોલીવુડના જાણીતા પીઢ અભિનેતા ગોવિંદ નામદેવે ૩૧ વર્ષીય અભિનેત્રી શિવાંગી વર્મા સાથેના સંબંધોની અફવાઓને રદિયો આપ્યો છે. શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ પર ૭૦ વર્ષીય અભિનેતા સાથેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે “પ્રેમને કોઈ ઉંમર, કોઈ મર્યાદા નથી હોતી” પછી અટકળો શરૂ થઈ હતી.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગઈ અને નેટિઝન્સે માની લીધું હતું કે બંને ડેટિંગ કરી રહ્યા છે. જો કે, ગોવિંદ નામદેવને પણ હવે સ્પષ્ટતા કરવાની નોબત આવી છે અને કહ્યું હતું કે આ ફોટો તેમની આગામી ફિલ્મ સાથે સંબંધિત છે, જેમાં બંને જણ રોમેન્ટિક પાત્રો ભજવી રહ્યા છે.
ગોવિંદ નામદેવે તેમની તસવીર ફરીથી શેર કરી અને જણાવ્યું હતું કે તેમનો સંબંધ સંપૂર્ણપણે પ્રોરેશનલ છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા સાથે જોડાયેલો છે. પીઢ અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે તેની પત્ની સુધા નામદેવ તેમનું જીવન છે અને તે ક્યારેય બીજાને પ્રેમ કરી શકે નહીં.
તેમણે વધુમાં લખ્યું હતું કે યે રિયલ લાઈફ લવ નહીં હૈ, રીલ લાઈફ હૈ જનાબ! ફિલ્મ ‘ગૌરીશંકર ગોહરગંજ વાલે’ જેનું શૂટિંગ ઈન્દોરમાં થઇ રહ્યું છે. આ એ જ ફિલ્મનો સ્ટોરી પ્લોટ છે. એમાં એક વૃદ્ધને એક યુવા અભિનેત્રી સાથે પ્રેમ થઇ જાય છે. હવે આ જીવનમાં બીજી કોઈ યુવતી સાથે પ્રેમમાં પડવાનું શક્ય નથી.
આ પણ વાંચો : કંગનાના થપ્પડકાંડથી લઈ પૂનમ પાંડેની ‘મોત’ની અફવા આ વર્ષે બોલીવુડના વિવાદોમાં મોખરે રહી
હાલમાં વાયરલ થયેલી આ તસવીરને હજારો લાઈક્સ મળી છે. એક મુલાકાતમાં શિવાંગીએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મમાં તેનું પાત્ર તેના વાસ્તવિક જીવનના વ્યક્તિત્વથી ઘણું અલગ છે. તેણે ભૂમિકા માટે માનસિક રીતે તૈયારી કરવી પડી હતી અને પાત્રને સંપૂર્ણ રીતે સમજવા માટે દિગ્દર્શક, લેખક અને ટીમ સાથે સમય વિતાવ્યો હતો.
ગોવિંદ નામદેવ ભારતીય સિનેમામાં એક પ્રખ્યાત અભિનેતા છે. તેમણે ‘ઓએમજી – ઓહ માય ગોડ’, ‘બેન્ડિટ ક્વીન’, ‘સત્યા’ અને ‘સિંઘમ’ જેવી ફિલ્મોમાં તેમના મજબૂત અભિનય માટે જાણીતા છે. તેમણે વિલનથી લઈને અલગ અલગ પ્રભાવશાળી પાત્રો ભજવ્યા છે.