બિગ બોસ વિનર ગૌરવ ખન્નાની મુશ્કેલીમાં વધારો, હવે જાણો શું થયું?

મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 19ના વિજેતા બન્યા બાદ એક્ટર ગૌરવ ખન્ના ખૂબ ચર્ચામાં રહે છે. શો બાદ પોતાની જીત અને શોની હિટ થયાની પાર્ટી કરતા જોવા મળ્યો હતો. આ સાથે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેણે પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી.
પરંતુ ચેનલ શરૂ થયાના માત્ર 24 કલાકમાં જ તેને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ તેની પત્ની આકાંક્ષા ચમોલાએ તેના નામનો દુરુપયોગ કરીને છેતરપિંડી થાય નહીં તેના માટે ચાહકોને ચેતવ્યા હતા, હવે ગૌરવ ખન્નાની ચેનલ બ્લોક થઈ છે.
ગૌરવ ખન્નાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની નવી યુટ્યુબ ચેનલ વિશે ફેન્સને જાણકારી આપી હતી. તેણે આ ચેનલનો શ્રેય મૃદુલ તિવારી અને પ્રણિત મોરેને આપ્યો હતો.
આપણ વાચો: ‘બિગ બોસ’ વિનર ગૌરવ ખન્નાની પત્ની પણ આ કારણે ચર્ચામાં આવી, જાણો શું છે મામલો?
જોકે, નવાઈની વાત એ છે કે ચેનલ લોન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ યુટ્યુબ પરથી તેના વીડિયો ગાયબ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર ગૌરવની ચેનલને યુ-ટ્યુબ પ્લેટફોર્મ પરથી ટર્મિનેટ (બંધ) કરી છે. અત્યારે સર્ચ કરવા છતાં યુટ્યુબ પર તેની ચેનલ જોવા મળી રહી નથી.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ગૌરવ ખન્નાએ યુટ્યુબની કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હોવાને કારણે આ કાર્યવાહી કરી શકે છે.
જોકે, હજુ સુધી ગૌરવ ખન્ના કે તેની ટીમ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. યુ-ટ્યુબ દ્વારા ચેનલ હટાવવાનું ચોક્કસ કારણ શું છે તે હજુ રહસ્ય બનેલું છે, જેના કારણે તેના ફેન્સમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે બિગ બોસ 19ના 7 ડિસેમ્બરના યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ગૌરવ ખન્ના સૌથી વધુ વોટ મેળવીને વિજેતા બન્યો હતો. પોતાની ચેનલ પર મૂકેલા વીડિયોમાં તેણે ટીકાકારોને જવાબ આપતા કહ્યું હતું કે ઘણા લોકોએ એવું કહ્યું કે તેણે શોમાં કંઈ ખાસ કર્યું નથી, છતાં તે જીતી ગયો.
ગૌરવ ખન્નાએ સ્પષ્ટ કર્યું હતું કે ‘બિગ બોસ’ ભલે બોલવાનો કે ઝઘડો કરવાનો શો મનવામાં આવતો હોય, પણ તેણે પોતાની ગરિમા જાળવી રાખીને જીત મેળવી છે. હવે જોવાનું એ રહે છે કે ગૌરવ પોતાની ડિલીટ થયેલી ચેનલ પાછી મેળવવામાં સફળ રહે છે કે નહીં.



