મલયાલમ ફિલ્મની અભિનેત્રીએ ચાર એક્ટર પર જાતીય શોષણનો આરોપ મૂકતા ખળભળાટ

તિરુવનંતપુરમઃ મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી મીનુ મુનીરે એમ મુકેશ સહિત ચાર ટોચના અભિનેતાઓ સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ સાથે ફિલ્મ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જે પહેલાથી જ મહિલા પ્રોફેશનલ્સની સતામણી અને ગેરવર્તણૂક અંગે ન્યાયમૂર્તિ હેમા સમિતિના વિસ્ફોટક આરોપોનો સામનો કરી રહ્યું છે.
અભિનેત્રીએ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સીપીઆઇ (એમ) ધારાસભ્ય મુકેશ પર આરોપ મૂક્યાના કેટલાક કલાકો પછી યુવા મોરચા અને મહિલા કોંગ્રેસના કાર્યકરોએ કોલ્લમમાં તેમના નિવાસસ્થાન તરફ અલગ-અલગ માર્ચ કાઢી હતી. જેમાં તેમની સામે કેસ દાખલ કરવા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી હતી.
જો કે કોલ્લમના ધારાસભ્યએ આરોપોનો જવાબ આપ્યો નથી. અભિનેત્રીએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ત્રણ અન્ય ટોચના અભિનેતાઓ વિરુદ્ધ પણ જાતીય સતામણીના આરોપો મૂક્યા છે.
આ દરમિયાન અભિનેતા મણિયનપિલ્લા રાજૂએ મલયાલમ ફિલ્મ ઉદ્યગોમાં સામે આવી રહેલા આરોપોના તપાસની માંગ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે હજુ પણ ઘણા ખુલાસા બહાર આવશે અને તેની પાછળ ઘણા હિતો હશે. રાજૂએ કહ્યું કે કેટલાક લોકો આ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરશે. આરોપીઓમાં નિર્દોષ અને દોષિત બંને પક્ષો હશે. તેથી વ્યાપક તપાસ જરૂરી છે.
૨૦૧૭માં કેરળ સરકાર દ્વારા અભિનેત્રી પર થયેલા હુમલા બાદ રચવામાં આવેલી ન્યાયમૂર્તિ હેમા સમિતિના રિપોર્ટે મલયાલમ સિનેમા ઉદ્યોગમાં મહિલાઓના ઉત્પીડન અને શોષણના કિસ્સાઓનો ખુલાસો કર્યો છે. જેથી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.