રવિ કિશનને મળ્યું 33 વર્ષની તપસ્યાનું ફળ: 70મા ફિલ્મફેરમાં જીત્યો આ એવોર્ડ…

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા અને દિગદર્શક અને ફિલ્મ મેકર્સને પ્રોત્સાહન આપવા માટે અનેક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ફિલ્મફેર પણ આવો જ એક ફેસ્ટિવલ છે. ફિલ્મી હસ્તીઓ ‘ફિલ્મફેર એવોર્ડ’ મેળવવાની ઝંખના ધરાવે છે. અત્યારસુધી અનેક ફિલ્મી હસ્તીઓને આ એવોર્ડ મળી ચૂક્યો છે. પરંતુ એક અભિનેતાને આ એવોર્ડ મેળવતા 33 વર્ષ લાગી ગયા. આ અભિનેતા કોણ છે? આવો જાણીએ.
રવિ કિશનને મળ્યું 33 વર્ષના સમર્પણનું પરિણામ
તાજેતરમાં અમદાવાદ ખાતે 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલે આ એવોર્ડને હોસ્ટ કર્યો હતો. જેમાં અભિનેતા અને રાજકારણી રવિ કિશનને ફિલ્મ “લાપતા લેડીઝ” માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (પુરુષ)નો પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. આ એવોર્ડને રવિ કિશને પોતાના 33 વર્ષના અભિનય પ્રત્યેના સમર્પણનું પરિણામ ગણાવ્યું છે.

ગુજરાતમાં આયોજિત એવોર્ડ સમારોહમાં પોતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ જીત્યા બાદ રવિ કિશને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું 33 વર્ષથી આ (ફિલ્મફેર એવોર્ડ) માટે ઝંખતો હતો. અમે વિચારતા હતા કે આ એવોર્ડ ખરીદી લેવામાં આવ્યો છે, પરંતુ આ બધી ગેરસમજો ખોટી સાબિત થઈ છે. મને મારી જાત અને ભગવાન શિવમાં વિશ્વાસ હતો.” રવિ કિશને ફિલ્મમાં કામ કરવાની તક આપવા બદલ દિગ્દર્શક કિરણ રાવનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
‘લાપતા લેડીઝ’નું નિર્માણ આમિર ખાન, કિરણ રાવ અને જ્યોતિ દેશપાંડે દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં નીતાંશી ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ અને પ્રતિભા રંતા મુખ્ય ભૂમિકાઓમાં હતા.
ફિલ્મફેરમાં કોને કયો એવોર્ડ મળ્યો
‘ફિલ્મફેર એવોર્ડ’ના અન્ય વિજેતાઓની વાત કરીએ તો શ્રેષ્ઠ મુખ્ય અભિનેતા (પુરુષ)ની કેટેગરીમાં અભિષેક બચ્ચનને “આઈ વોન્ટ ટુ ટોક” ફિલ્મ અને કાર્તિક આર્યનને “ચંદુ ચેમ્પિયન” માટે એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ અભિનેત્રી (સ્ત્રી)ની કેટેગરીમાં આલિયા ભટ્ટને “જીગ્રા” ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી (સ્ત્રી)ની કેટેગરીમાં નીતાંશી ગોયલને “લાપતા લેડીઝ” ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ નવોદિત અભિનેતા (પુરુષ)ની કેટેગરી માટે લક્ષ્યને “બેડ્સ ઓફ બોલિવૂડ” ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકની કેટેગરીમાં કુણાલ ખેમુને “મડગાંવ એક્સપ્રેસ” ફિલ્મ માટે અને આદિત્ય સુહાસ જાંભલેને “આર્ટિકલ 370” ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચો…IIFA: ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ આઇફામાં મચાવી ધૂમ, ફિલ્મએ જીત્યા 10 એવોર્ડ…