Film: સન્ની દેઓલની ફિલ્મનો એ આઈકોનિક સિન, જેને શૂટ કરતા લાગ્યા હતા બે દિવસ

મોટી થિયેટરોના પડદા પર ફિલ્મ જોવાની મજા અલગ હોય છે, પરંતુ પડદા પાછળના કસબીઓનો સંઘર્ષ દરેક વખતે દેખાતો નથી. આજકાલ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા અમુક વીડિયો વાયરલ થતા હોય છે અને તેનાથી સમજાતું હોય છે કે ફિલ્મ શૂટ કરવી કેટલી અઘરી છે. આ બધામાં પણ ફાઈટિંગના સિન્સ શૂટ કરવાનું કામ સૌથી વધારે અઘરું છે.
આવા જ એક અઘરા સિન વિશેની આપણે વાત કરવાના છીએ. આ સિન છે ફિલ્મ અર્જુનનો. સન્ની દેઓલ અને ડિમ્પલ કાપડીયાને ચમકાવતી આ ફિલ્મનો એક સિન હજુ લોકોને યાદ રહી ગયો છે. આ સિન હતો જ્યારે સન્ની દેઓલ તેના મિત્રને બચાવવા માટે ભર વરસાદમાં હજારો છત્રીઓ વચ્ચેથી પસાર થાય છે.
આ સિન સ્ક્રીન પર તો લગભગ બે મિનિટ માટે પણ નથી, પરંતુ તેને શૂટ કરતા ડિરેક્ટર રાહુલ રવૈલને પરસેવો છૂટી ગયો હતો. આ સિન સમયે સેટ પર મુખ્ય કલાકારો ઉપરાંત 1000 લોકો હતા અને તેમના એક હાથમાં એક એમ કુલ 2000 છત્રીઓ હતી અને જે વિલન હતા તેમના હાથમાં તલવાર હતી.
ક્યારેક કોઈની આંખમાં છત્રી વાગે, ક્યારેક તલવાર છત્રીને વાગે ક્યારેક કોઈ વરસાદના પાણીમાં લપટી જાય વગેરે જેવી કેટલીય અડચણો બાદ બે દિવસે આ સિન શૂટ થયો હતો. જોકે આ સિન આજે પણ લોકોને યાદ છે. આ સિન વિશે વાત કરતા એકવાર રાહુલ રવૈલે જણાવ્યું હતું કે વરસાદના સમયમાં તેઓ ટ્રેનમાં પુણે જઈ રહ્યા હતા અને એક પ્લેટફોર્મ પર આ રીતે ઘણી બધી છત્રીઓ ખુલી જોઈને તેમને આ સિન મગજમાં આવ્યો હતો. તો હવે કહેશોને વાહ ક્યા સિન હૈ.