મનોરંજન

છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ

ફેમસ યુટ્યુબર રણવીર અલાહબાદિયાની વિવાદાસ્પદ કમેન્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો બોલિવૂડ ડિરેક્ટર અને જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન તેની વિવાદાસ્પદ કમેન્ટને કારણે વિવાદમાં સપડાઇ છે અને લોકો તેના પર ભડકી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. શું મામલો છે આપણે જાણીએ.

ફરાહ ખાન હાલમાં ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ નામના શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં રણવીર બ્રાર અને વિકાસ ખન્ના પણ જોવા મળે છે. આ શોમાં તેણે કંઇક એવી કમેન્ટ કરી છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ગુસ્સે ભરાયા છે. આ શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને કારણે ફરાહ ખાનની ઘણી ટીકા થઇ રહી છે. ફરાહ ખાને એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે હોળી છપરી લોકોનો તહેવાર છે. છપરી એક નેગેટિવ શબ્દ છે.

આ પણ વાંચો: બિગ બી, સલમાન, ઐશ્વર્યા અને શાહરુખ જેવા સેલિબ્રિટીઓને પોતાના ઈશારે નચાવે છે ઈન્ડસ્ટ્રીની આ Bigg Boss

છપરી શબ્દ સામાન્ય રીતે બેકાબૂ, ટપોરી ટાઇપ છોકરાઓ માટે વપરાય છે. લોકો છપરી શબ્દને અને છપરી જેવા લોકોને નકારાત્મક રીતે જ લે છે. ફરાહ ખાનના શોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે તેના નિવેદનની ટીકા કરી તો કેટલાકે તેની સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. કેટલાકે તો વળી એમ પણ જણાવ્યું છે કે જો હોળી છપરીઓનો તહેવાર હોય તો પછી ફરાહ ખાને તેની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાન સાથે હોળી કેમ મનાવી હતી? કેટલાક તો એમ પણ જણાવી રહ્યા છે કે હિંદુ તહેવાર પર કમેન્ટ કરવાને બદલે ફરાહે ઇદ જેવા તહેવારો પર કમેન્ટ કરવી જોઇએ.

જોકે, કેટલાક લોકોએ ફરાહ ખાનનો બચાવ પણ કર્યો છે અને જણાવ્યું છે કે ફરાહ ખાનની વાત કંઇ સાવ ખોટી તો નથી જ. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં હોળીના તહેવાર દરમિયાન નશામાં ધૂત પુરૂષો દ્વારા મહિલાઓની છેડતી કરવાની ઘણી ઘટના બની છે.

કેટલાકે ફરાહનો બચાવ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ફરાહે હોળી ઉજવતા બધા લોકોને છપરી નથી કહ્યા. હોળી તો ફરાહનો પણ પ્રિય તહેવાર છે. લોકો ફરાહને ખોટી રીતે સમજી રહ્યા છે. જે લોકો ખુલ્લેઆમ હોળી રમે અને છોકરીઓની ટિખળ કરતા હોય તેમને છપરી જેવા કહ્યા છેે, કારણ કે તેમને રોકવાવાળું કોઇ નથી હોતું.

ફરાહની આ ટિપ્પણી પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ બાબતે ફરાહે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button