
જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું આજે 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ Pankaj Udhasએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના અંતિમ સંસ્કાર ક્યાં અને ક્યારે કરવામાં આવશે એ બાબતે હજી સુધી કોઈ માહિતી નથી મળી રહી.

પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીના લાંબી માંદગી બાદ નિધન થયું છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એક યુગનો અંત થયો છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પંકજ ઉધાસના પીઆરે જણાવ્યું હતું કે તેમનું નિધન આજે સવારે અગિયાર વાગ્યે મુંબઈની જાણીતી ખાનગી હોસ્પિટલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમાંય છેલ્લા કેટલાય દિવસથી તબિયત વધુ બગડી હતી.
પંકજ ઉધાસની જાણીતી ગઝલમાં ‘નામ’ ફિલ્મની ચિઠ્ઠી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ, ઔર આહિસ્તા કિજે બાતૈં, જીયેં તો જીયેં કૈસે અને ના કઝરે કે ધાર વગેરે બહુ લોકપ્રિય બની હતી. ગુજરાતી, હિન્દી સહિત અનેક આલ્બમ પણ બહાર પાડ્યા હતા. 2006માં મ્યુઝિક ક્ષેત્રના તેમના મહત્ત્વના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

પંકજ ઉધાસના મૃત્યુના સમાચાર પર સૌથી પહેલાં સિંગર સોનુ નિગમે પ્રતિક્રિયા આપી હતી. સોનુ નિગમે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે મારા બાળપણનો સૌથી મહત્ત્વનો હિસ્સો હતા પંકજ ઉધાસ અને આજે મેં એમને ખોઈ દીધાવ છે. શ્રી પંકજ ઉધાસજી, તમે હંમેશા જ મારી અને અમારા બધાની યાદોમાં રહેશો. તમારા નિધનના સમાચારથી મારું હૈયું દ્રવી ઉઠ્યું છે. મારી સાથે રહેવા માટે તમારો ખુબ ખુબ આભાર… ઓમ શાંતિ…