coldplay ની ટિકિટ મળવી મુશ્કેલ, પરંતુ અંબાણીના લગ્નમાં કરી ચૂક્યો છે પરફોર્મ…

બ્રિટિશ રૉક બેન્ડ coldplay ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. મુંબઈમાં 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલી આ કોન્સર્ટની ટિકિટ બુકિંગ શરૂ થયાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જ્યારે coldplay કોન્સર્ટ માટે ટિકિટ બુકિંગ રવિવારે ખુલ્યું ત્યારે લોકોએ ટિકિટ લેવા માટે એટલો બધો ધસારો કર્યો કે ઓનલાઇન બુકિંગ એપ જ ક્રશ થઈ ગઈ હતી. બ્લેકમાં તેની ટિકિટ એક થી ચાર લાખ રૂપિયાની વચ્ચે મળી રહી છે. coldplay ની ગણતરી 21 મી સદીના સૌથી પ્રભાવશાળી અને જાણીતા બેન્ડમાં થાય છે. રોક મ્યુઝિક આઈકન ક્રિસ માર્ટિન આ બેન્ડનો એક ભાગ છે, પરંતુ શું તમે જાણો છો કે જે coldplay માટે લોકોમાં ખૂબ જ ચર્ચા છે તે ભારતના અંબાણી પરિવારના વેડિંગ ફંકશનમાં પરફોર્મ કરી ચૂક્યો છે!
જી હા, coldplay દેશના ટોચના ઉદ્યોગપતિ અંબાણી પરિવારના વેડિંગમાં પરફોર્મ કરી ચૂક્યો છે. માર્ચ 2019 માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના શ્લોક મહેતા સાથેના લગ્નની ખુબ ચર્ચા થઈ હતી. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિલ્મ્સ સેલિબ્રિટીઝ અને દેશ વિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Coldplayનો ભારતમાં આટલો ક્રેઝ! ટીકીટ લાઈવ થતા જ BookMyShow ક્રેશ થઈ ગઈ
પરંતુ એ પહેલા ફેબ્રુઆરી 2019માં આ કપલની પ્રી વેડિંગ સેરેમની સ્વીટ્ઝરલેન્ડમાં કરવામાં આવી હતી. આ ફંકશનમાં બ્રિટિશ બેન્ડ coldplayએ પણ પરફોર્મ કર્યું હતું. અંબાણી પરિવારના કાર્યક્રમમાં પરફોર્મન્સ આપતા ક્રિસ માર્ટિન અને તેના રૉકબેન્ડ coldplayનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં આકાશ અને શ્લોકાની સાથે સુપરસ્ટાર શાહરુખ ખાન પણ coldplayના મ્યુઝિક પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શાહરુખની સાથે રણવીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીએ સ્વીટ્ઝરલેન્ડના આ ભવ્ય ફંક્શનમાં હાજરી આપી હતી. હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં coldplay મુંબઈના ડી.વાય પાટીલ સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પણ આ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.