એક નહીં, બે નહીં 17 ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવી છે આ અભિનેતાએ…
દશેરાના અવસર પર આજે અમે તમને જે અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમને દશેરા પર હંમેશા યાદ કરવામાં આવે છે અને તેનું કારણ પણ છે. તેમણે એટલી બધી ફિલ્મોમાં ભગવાનની ભૂમિકા ભજવી છે કે લોકો તેમને ભગવાન જ માનવા લાગ્યા છે. તેઓ એકમાત્ર એવા અભિનેતા છે જેમણે મોટા પડદા પર ભગવાન રામ અને રાવણ બંનેની ભૂમિકા ભજવી હતી અને દર્શકોના દિલ જીત્યા હતા. એટલું જ નહીં તેમણે 17 ફિલ્મોમાં શ્રી કૃષ્ણની ભૂમિકા પણ ભજવી હતી. શું તમે આ અભિનેતાને ઓળખો છો? કદાચ નહીં! તો આજે અમે તમને આ અભિનેતા વિશે જણાવીએ.
આ અભિનેતાનું નામ નંદમુરી તારકા રામા રાવ (એનટી રામા રાવ) છે. તે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના દાદા છે. એનટી રામારાવે 1957માં આવેલી ફિલ્મ ‘માયાબજાર’માં પ્રથમ વખત શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે 16 ફિલ્મોમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ભગવાન રામના રોલમાં પણ એનટી રામારાવને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ ‘લવ કુશ’ (1963) અને ‘શ્રી રામાંજનેય યુદ્ધમ’ (1974) જેવી કેટલીક ફિલ્મોમાં રામની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે ‘ભૂકૈલાસ’ (1958), ‘સીતારામ કલ્યાણમ’ (1961) જેવી ફિલ્મોમાં પણ રાવણની ભૂમિકા ભજવી હતી. તેમણે ફિલ્મ ‘શ્રી વેંકટેશ્વર માહાત્યમ’ (1960) માં ભગવાન વિષ્ણુ અને ‘દક્ષયગ્નમ’ (1962) માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. લોકો તેમને ભગવાન જ માનીને તેમની પૂજા કરવા લાગ્યાહતા. 1969 સુધીમાં તો એન.ટી. રામારાવના નામે અડધો ડઝન મંદિરો બની ગયા હતા. રામારાવ તેલુગુ સિનેમાના સુપરસ્ટાર બની ગયા હતા. તેમને ભગવાન રામ, ભગવાન શિવ, શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની ભૂમિકામાં જોયા પછી, લોકો ખરેખર તેમને ભગવાન જ માનવા લાગ્યા અને તેમની પૂજા કરવા લાગ્યા. લોકો એ હદે તેમને પૂજે છે કે હૈદરાબાદમાં તેમના ઘરને તીર્થસ્થળ બનાવી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં તેમના નામે અડધો ડઝન મંદિરો બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ રામ અને કૃષ્ણના અવતારોમાં પૂજાય છે.