બોલો, છ વર્ષ પહેલા ફ્લૉપ થયેલી તૃપ્તી ડીમરીની આ ફિલ્મએ કરી આટલી કમાણી
અન્ય કોઈ ધંધા કે ઉદ્યોગમાં જેટલી અનિશ્ચિતતા નથી તેટલી લગભગ ફિલ્મઉદ્યોગમાં છે. દર્શકો ક્યારે કઈ ફિલ્મને વધાવી લેશે અને કઈ ફિલ્મ ડબ્બે પુરાઈ જશે તે કોઈ કળી શકતું નથી. વાર્તા, કલાકારો, સંગીત, રિલીઝનો સમય કે અન્ય કોઈ પરિબળ ફિલ્મની સફળતાની ગેરંટી નથી. આથી ફિલ્મ સાથે જોડાયેલા લોકો ફિલ્મ બનાવે છે ને પછી તેને ભગવાન ભરોસે છોડી દે છે.
એક એવી ફિલ્મની કિસ્મત છ વર્ષ પછી ખૂલી છે. નવાઈની વાત તો એ છે કે આ ફિલ્મ ફરી રિલીઝ થઈ છે અને સારી કમાણી કરી રહી છે. તેનું એક કારણ તેની હૉટ હીરોઈન તૃપ્તી ડમરી હોવાનું માનવામાં આવે છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલથી નેશનલ ક્રશ બનેલી તૃપ્તી અને અભિનેતા અવિનાશ તિવારીની લૈલા મજનુ ફિલ્મ ફરી થિયેટરોમાં રિલીજ થઈ છે અને તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
ઈમ્તિયાઝ અલી અને એકતા કપૂરે વર્ષ 2018માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લૈલા મજનુ બનાવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાજિદ અલી ખાને કર્યું હતું. આમાં અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. તે સમયે ફિલ્મે માત્ર રૂ. 2.18 કરોડ કમાણી કરી હતી. આવી સ્થિતિમાં, હવે 6 વર્ષ પછી આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે પરંતુ આ વખતે તેની કમાણી તેેને મળેલા રિસ્પોન્સથી સૌ કોઈને નવાઈ લાગી રહી છે.
ફિલ્મ પહેલા માત્ર કાશ્મીરમાં રિલીઝ થઈ. ત્યાં લોકોને ખૂબ ગમી તે જોઈને નિર્માતાઓએ તેને દેશના ઘણા થિયેટરોમાં રિલીઝ કરી. ખાસ કોઈ પ્રમોશન વિના રિલીઝ થયેલી ફિલ્મએ પહેલા દિવસે રૂ. 30 લાખની કમાણી કરી. જ્યારે રિપોર્ટ્સનું માનીએ તો બીજા દિવસે 110 ટકાનો ઉછાળો નોંધાવ્યો અને રૂ. 70 લાખની કમાણી કરી હતી. બે દિવસમાં લૈલા મજનુ એ એક કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રવિવારના આંકડા હજુ આવ્યા નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ બે કરોડને પાર કરી ગઈ છે. જો આ રીતે જ એકાદ અઠવાડિયું સારું કલેક્શન થશે તો ફિલ્મ ભલે બહુ મોટો આંકડો પાર ન કરે, પણ નિર્માતાઓનો ખર્ચ અને આખી ટીમની મહેનત લેખે લાગશે.