આ નાનકડી દીકરીનો વાયરલ થયેલો વીડિયો તમને પણ ઈમોશનલ કરી દેશે

બાળક કંઈક માગે અને માતા-પિતા ન લઈ આપે ત્યારે માત્ર બાળકને નહીં, મા-બાપને પણ દુઃખ થતું હોય છે. પોતાના સંતાનની દરેક ઈચ્છા પૂરી કરવાનું દરેક માતા-પિતા માટે શક્ય નથી હોતું અને બાળકોને આવી ખોટી ટેવ પાડવી પણ ન જોઈએ. બાળકો પાસે જે વસ્તુઓ હોય તેની તે કદર કરે, તેમને ખોટા ખર્ચાની ટેવ ન પડે તે શિખવાડવાની જવાબદારી પણ માતા-પિતાની છે, પરંતુ આજકાલ ઘણા મા-બાપ આમ ન કરતા બાળક માગે તે પહેલા હાજર કરી દે છે. આવા સમયમાં ઈન્ટરનેટ પર એક ક્યૂટ ગર્લનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
મૉલમાં પપ્પા સાથે ગયેલી આ બાળકીને એક વૉટરબોટલ ગમી ગઈ અને તેણે પપ્પા પાસે આ લેવાની જીદ કરી. પપ્પાએ ઘણી સમજાવી કે ઘરે ત્રણ બોટલ તો છે, પણ છોકરીએ તે જૂની છે તેમ કહી ફરી લેવા કહ્યું. પછી તેના પપ્પાએ વૉટરબોટલની કિંમત જોઈ કહ્યું કે આ બહુ મોંઘી છે. છોકરીએ પ્રાઈઝ જોવાની કોશિશ કરી, તે સમજી ન શકી, પણ મોંઘી છે તેમ પપ્પાએ કહ્યું એટલે બોટલ મોંઘી છે તેમ કહી મૂકી દીધી અને મોંઘી છે તો નથી લેવી, તેમ કહ્યું. બાળકીની આ નિર્દોષ સમજદારી પર નેટીઝન્સ ફીદા થઈ ગયા છે. આ વીડિયોને લાખો વ્યુઝ મળી રહ્યા છે.
ઘણા નેટીઝન્સ બાળકી અને પપ્પા બન્નેના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બાળકોને પૈસાનું મૂલ્ય સમજાવવું જોઈએ. તો અમુકે કહ્યું છે કે અમારા તરફથી લઈ આપો.
જોકે વીડિયોમાં બાળકી પોતાને બોટલ ન મળવાથી ક્યાંય દુઃખી નથી દેખાતી, તે તેની મસ્તીમાં છે.
શૉપિંગ મોલ્સ કે ઓનલાઈન શૉપિંગ કરતા સમયે બાળકો જ નહીં ઘણા પુખ્તવયના લોકો પણ બિનજરૂરી વસ્તુઓ ખરીદી લાવે છે. આવા ખોટા ખર્ચા કરતા પેરેન્ટ્સને જોઈ બાળકોને પણ પોતાની પાસે દુકાનની દરેક વસ્તુ હોય તેવી ઈચ્છા જાગે છે. આથી પેરેન્ટ્સ પણ કરકસર કરે અને બાળકોને પણ પ્રેમ અને સમજદારીથી પૈસા અને વસ્તુઓનું મૂલ્ય સમજાવે તે જરૂરી છે.