બિગ બોસ ફેમ મુનવ્વરની ધરપકડ પછી એલ્વિશ યાદવે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
મુંબઈ: અહીંના હુક્કા પાર્લરમાંથી મુંબઈ પોલીસે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ‘બિગ બૉસ 17’ વિજેતા મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી. મુનવ્વર ફારુકીની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે ફેમસ યુટ્યુબર અને ‘બિગ બૉસ ઓટીટી’ વિનર એલ્વિશ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર નોઇડા પોલીસે તેની ધરપકડ કરી હતી, પણ તેને જમીન મળી ગયા હતા. મુંબઈના હુક્કા પાર્લરમાં મુંબઈ પોલીસે તપાસ કરતા મુનવ્વર ફારુકી ધરપકડ કરી હતી. મુનવ્વરની ધરપકડ અંગે એલ્વિશ યાદવે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુનવ્વરનું નામ લખ્યા વગર કહ્યું હતું કે ‘બિગ બૉસ જીત્યા બાદ લોકોને ખરાબ ટાઈમ શરૂ થઈ જાય છે.
એલ્વિશ યાદવની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે અને એલ્વિશે આ ટ્વીટ મુનવ્વર ફારુકીની ધરપકડ અંગે જ કરી હશે, એવું લોકો કહી રહ્યા છે. મંગળવારે રાતે મુંબઈ પોલીસની ટીમે મુંબઈના એક હુક્કા પાર્લરમાં રેડ પાડી હતી.
આ દરમિયાન હુક્કા પાર્લરમાં રહેલા દરેક લોકોને તાબામાં લીધા હતા, જેમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકી પણ હતો. મુનવ્વર ફારુકીની જેમ એલ્વિશ યાદવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની નોઇડા પોલીસે ધરપકડ કરી હતી. એલ્વિશ યાદવ સહિત છ લોકો પર રેવ પાર્ટીમાં કથિત રીતે સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપ સામે તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસમાં એફઆઇઆર નોંધી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 14 સાપ સાથે સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. આ મામલે વધુ કાર્યવાહી કરતાં તેમાં એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવી તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ તેને કેસમાં જામીન મળ્યા હતા અને આગળની કાર્યવાહી ચાલી રહી છે, એવું અધિકારીએ કહ્યું હતું.