દહેજ સહિત સમાજિક મુદ્દાઓ પર વાત કરતી દુપહિયા સિરિઝ ઓટીટી પર છવાઈ ગઈ

ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી પંચાયતની ત્રણ સિરિઝે સાબિત કરી દીધું કે વિષય ગામડા સાથે જોડાયેલો હોય કે શહેર સાથે જો તેને સારી વાર્તાના રૂપે દર્શકો સામે રજૂ કરવામાં આવે તો લોકોને તે ગમે જ છે. આવી જ એક દેહાતની વાત કરતી સિરિઝ હાલમાં ઓટીટી પર ધૂમ મચાવી રહી છે.
દુપહિયા નામની આ સિરિઝ બિહારના એક ગામડાની વાત કરે છે. અહીંની રહેણીકહેણી, ભાષા, માનસિકતા અને ખાસ કરીને દહેજના દૂષણને ખૂબ જ રોમાંચક અને રમુજી રીતે દર્શાવતી આ વેબ સિરિઝ નવ એપિસૉડની છે અને તમને છેલ્લા એપિસૉડ સુધી જોવા મજબૂર કરે તેવી છે.
શું છે ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા બિહારના ધડકપુર ગામની છે. આ ગામ વર્ષોથી ક્રાઈમ ફ્રી છે. અહીં એક પણ એફઆઈઆર 25 વર્ષની નોંધાઈ નથી અને તેના લીધે ગામને ખાસ વોટર બોરિંગ સિસ્ટમ મળવાની છે. હાલમાં ગામની પંચયાતની અધ્યક્ષા પુષ્પલતા (રેણુકા શહાણે) છે. ગામના પરિવાર બનવારી જા (ગજરાજ રાવ)ની દીકરી રોશની (શિવાની રઘુવંશી)ના લગ્ન લેવાયા છે અને છોકરો મુંબઈમાં નોકરી કરે છે અને રોશની અને તેના ભાઈ ભૂગોળ (સ્પર્શ શ્રીવાસ્તવ)ને શહેર જવાનો ભારે અભરખો છે. કુબેર (અવિનાશ દ્વિવેદી) લગ્ન કરવા માટે દહેજમાં દુપહિયા એટલે કે મોકરબાઈક માગે છે. પરિવારની પહોંચની બહાર છે પણ ગમે તેમ કરી પરિવાર મોટરબાઈક ખરીદે છે અને તેને ગામની સ્કૂલના એક ઓરડામાં સાચવીને રાખે છે. રીલ બનાવી સુપરસ્ટાર બનવાના સપના જોતો ઘરનો દીકરો ભૂગોલ રાત્રે બાઈક લઈને રિલ બનાવવા જાય છે અને બાઈક ચોરાઈ જાય છે. બસ આ બાઈક શોધવાનો સંઘર્ષ અને તેમાં વણાતા તાણાવાણા છે સિરિઝની સ્ટોરી. માત્ર દહેજ નહીં, પરંતુ નિર્મલ નામની છોકરીનું દેખાવમાં કાળા હોવું અને રૂપાળા દેખાવા માટે સ્કીન થેરેપી માટે પૈસા એકઠા કરવાનું, રાજકારણ, રોશનીનો અમાવસ નામના છોકરા સાથેનો ભૂતકાળનો અફેર, પોલીસ, પત્રકાર વગેરેની ધમાલ સિરિઝને જોવા લાયક બનાવે છે.
આ પણ વાંચો: ઐશ્વર્યાની કારને બસે ટક્કર માર્યા પછી રિયલમાં શું બન્યું હતું, જાણો હકીકત?
દરેક પાત્રએ રંગ ભર્યો સિરિઝમાં
જ્યારે ખાસ કોઈ પિરિયડ કે સ્થળ કે ઘટનાની વાર્તા હોય ત્યારે પાત્રોને તેને અનુરૂપ બતાવવા જરૂરી છે. આ સિરિઝના દરેક પાત્રએ અભિનયમાં બિહારને જીવંત કર્યું છે. અહીંની ભાષા, પહેરવેશ અને પાત્રોની ભાવનાઓને સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે. ગજરાજ, રેણુકા, સ્પર્શ, શિવાની, યશપાલ વગેરે પાસેથી તો અપેક્ષા હોય જ, પણ પિન્ટુભૈયાના રોલમાં પ્રાંજલ પટેરિયા કે નિર્મલના રોલમાં કોમલ કુશાવાહ જેવા નાના પાત્રો પણ આટલા જ જચે છે.
સિરિઝ ગંભીર વિષયોને ભારે હળવાશથી રજૂ કરે છે. છેલ્લા એપિસોડ સુધી મોટરબાઈકની ચોરીનો ભેદ ખુલતો નથી અને જ્યારે ખુલે છે ત્યારે સૌ અચંબામાં પડી જાય છે. આ સાથે પુષ્પલતા જ્યારે કહે છે કે આપણે એકપણ ગુનો કર્યો છે તેમ નથી. આપણે દહેજ લેવા અને દેવાનો ગુનો કર્યો છે. હજુ પણ દહેજ પ્રથા એટલી જ પ્રવર્તે છે અને આ સંદેશ આપવા માટે આ સિરિઝે સારો પ્રયત્ન કર્યો છે.