સોમવારે આ કારણે 100થી વધુ ફિલ્મોના શૂટિંગ રખડી પડશે
વર્ષોની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે અને આખરે બે દિવસ બાદ એ શુભ ઘડી આવી રહી છે જેની લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ. જી હા, એકદમ બરાબર ગેસ કર્યું તમે અહીં વાત થઈ રહી છે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની… આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની ઈચ્છા તો કરોડો દેશવાસીઓને છે પણ આવું શક્ય નથી.
આવી પરિસ્થિતિમાં લોકો ઘરે બેસીને આ ક્ષણને માણી શકે એ માટે કેટલાક રાજ્યોમાં 22મી જાન્યુઆરીના જાહેર રજા તો કેટલાક રાજ્યમાં હાફ ડેની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈએ સોમવારે એક દિવસ માટે નેશનલ હોલીડે જાહેર કર્યો છે, એટલે 22મી જાન્યુઆરી, 2024ના બોલીવૂડ બંધ રહેશે.
FWICEના પ્રમુખે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે આ ખાસ ક્ષણને ધ્યાનમાં રાખીને અમે લોકો હોલીડે જાહેર કરીએ છીએ. આ દિવસે એક પણ ફિલ્મનું શૂટિંગ નહીં થાય, કારણ કે અમારા વર્કર્સ રજા પર રહેશે. જોકે, જો કોઈ ઈમર્જન્સી હશે કે કોઈને વધારે નુકસાન થઈ રહ્યું હશે તો આવી પરિસ્થિતિમાં યોગ્ય કારણ સાથે એક રિક્વેસ્ટ લેટરની સાથે પરવાનગી માંગીને શૂટિંગ કરી શકાશે.
મળી રહેલી માહિતી પ્રમાણે FWICEના આ નિર્ણયને કારણે 100થી વધુ ફિલ્મોના શૂટિંગ રખડી પડશે. તમારી જાણ માટે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા બી-ટાઉનના અનેક સેલેબ્સને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અજય દેવગણ, સની દેઓલ, હેમા માલિની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મધુર ભંડારકર, સંજય લીલા ભણસાલી સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે.