દિશા પટણી ઘર પર ગોળીબાર: યોગી આદિત્યનાથે પિતા સાથે ફોન પર વાત કરી, કહ્યું આખો પ્રદેશ…

બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી હાલમાં બરેલી ખાતે ઘર પર થયેલાં ગોળીબાર બાદ લાઈમલાઈટમાં આવી ગઈ છે. હવે આ બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક્ટ્રેસના પિતા જગદીશ પટણી સાથે વાત કરી છે અને તેમને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ સિવાય એક્ટ્રેસના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાં પણ મહત્ત્વના ખુલાસો થયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જગદીશ પટણી સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાની પૂરેપૂરી જાણકારી લીધી હતી. જગદીશ પટણીએ જણાવ્યું હતું કે સીએમ યોગીએ તેમના પરિવારને સાંત્વના આપી છે અને કહ્યું છે કે પૂરો પ્રદેશ તમારી સાથે છે. સુરક્ષામાં કોઈ કમી નહીં રહે.
અહીંયા તમારી જાણ માટે કે હાલમાં આ બાબતની તપાસ ચાલી રહી છે. ફાઈરિંગ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ હતી, જેમાં આ ઘટનાની જવાબદારી ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા લેવામાં આવી છે. જોકે, આ પોસ્ટની કોઈ પુષ્ટિ થઈ શકી નહોતી.
જગદીશ પટણીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે એમનો પાળેલો શ્વાન અચાનક ભસવા લાગ્યો હતો અને ત્યાર બાદ તેમણે બાલકનીમાં જઈને જોયું તો બે શંકાસ્પદ બાઈકસવાર જોવા મળ્યા હતા. ત્યાર બાદ જ્યારે તેમણે એક શૂટરને નામ પૂછ્યું તો બીજાએ તેને કહ્યું કે એને મારી નાખો. ત્યાર બાદ બેમાંથી એક વ્યક્તિએ ફાઈરિંગ કરી હતી અને પોતાને બચાવવા હું જમીન પર લેટી ગયો.
એક્ટ્રેસના પિતાએ જણાવ્યું કે અજાણ્યા હુમલાખોરોએ 8-10 રાઉન્ડ ફાયર કર્યા હતા અને દિશાના ઘરની બાજુમાં આ ઘટના બે દિવસમાં બે વખત થઈ હતી. પહેલી ઘટના 11મી સપ્ટેમ્બરના સવારે 4.30 કલાકે અને બીજી વખત 12મી સપ્ટેમ્બરના સવારે 3.30 કલાકની આસપાસ બની હતી.
આ પણ વાંચો…દિશા પટણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ધાર્મિક વિવાદ કે અંગત અદાવત?