‘અતરંગી રે’ ફેમ ડિમ્પલ હયાતી મુશ્કેલીમાં: નવી નોકરાણીએ નવ દિવસમાં નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો

હૈદરાબાદ: દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરનારી અને અક્ષય કુમારની ‘અતરંગી રે’ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી ડિમ્પલ હયાતી મુશ્કેલીમાં મુકાઈ છે. ડિમ્પલ હયાતી અને તેના પતિ ડેવિડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડિમ્પલ હયાતી અને ડેવિડ સામે નોકરાણી પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલો શું છે?
ડિમ્પલ અને ડેવિડે નોકરાણીને આપ્યો ત્રાસ
ઓડિશાની વતની પ્રિયંકા બીબર(ઉ.22 વર્ષ) 22 સપ્ટેમ્બરે નોકરીની શોધમાં હૈદરાબાદ આવી હતી. તેને આ જ દિવસે શેખપેટ વિસ્તારના વેસ્ટવુડ એપાર્ટમેન્ટ્સમાં ડિમ્પલના ફ્લેટમાં નોકરી મળી ગઈ હતી. જોકે, કામ શરૂ કર્યાના 7 દિવસ બાદ અભિનેત્રી ડિમ્પલ હયાતી સાથે તેને અણબન બની હતી. ત્યારબાદ પ્રિયંકા બીબર ફિલ્મ નગર પોલીસ સ્ટેશને પહોંચી હતી.
પોલીસ સ્ટેશન પહોંચેલી પ્રિયંકા બીબરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, ડિમ્પલ હયાતી અને તેના પતિ ડેવિડ દ્વારા તેને સતત હેરાન અને અપમાનિત કરવામાં આવતી હતી. તેને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો. ડેવિડ તેને કહેતો હતો કે, “તારો જીવ મારા ચંપલને લાયક પણ નથી.”

માતા-પિતાને મારી નાખવાની આપી ધમકી
પ્રિયંકા બીબરે ફરિયાદમાં જણાવ્યું કે, “29 સપ્ટેમ્બરના રોજ ડિમ્પલ હયાતી અને ડેવિડનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઘરમાં તેનો શ્વાસ ભસી રહ્યો હતો. જેને લઈને ઝઘડો થયો હતો. આ સમયે ડિમ્પલ હયાતી અને તેના પતિ ડેવિડે પ્રિયંકા બીબર સાથે ર્વ્યવહાર કર્યો અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી.”
પ્રિયંકા બીબરે આ ઝઘડો મોબાઈલમાં રેકોર્ડ લકરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ડેવિડે તેનો ફોન છીનવીને જમીન પર પછાડ્યો હતો. સાથોસાથ પ્રિયંકા પર હુમલો પણ કર્યો હતો. જેમાં તેના કપડાં પણ ફાટી ગયા હતા. આવા સંજોગોમાં પ્રિયંકા બીબર ત્યાંથી ભાગી ગઈ હતી અને પોતાના એજન્ટની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નગરના ઈન્સ્પેક્ટર એસ. સંતોષમના જણાવ્યા અનુસાર, પોલીસે પ્રિયંકા બીબરનું નિવેદન નોંધીને ડિમ્પલ હયાતી તેમજ ડેવિડ વિરુદ્ધ IPCની કલમ 74, 79, 351(2), અને 324(2) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે હવે બંને આરોપીઓને નોટિસ જારી કરી છે, પરંતુ હજુ સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી.
આ પણ વાંચો…ભારત છોડીને જતા નહીં: શિલ્પા-રાજને હાઈકોર્ટનો આદેશ



