મને તમારી આ ફિલ્મ પસંદ નહોતી: KBC 17માં દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનને મોંઢા પર સંભળાવી દીધું

મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)માં જોવા મળશે. શોના નિર્માતાઓએ આગામી એપિસોડની એક મજેદાર ક્લિપ શેર કરી છે, જેમાં દિલજીતે ખુલાસો કર્યો કે તેમને અમિતાભ બચ્ચનની એક ફિલ્મ પસંદ નહોતી, અને તેનું કારણ જાણીને મેગાસ્ટાર પણ હસી પડ્યા હતા.
તમે જોરદાર એક્શન કરો છો, પરંતુ…
ક્લિપમાં, દિલજીત અમિતાભ બચ્ચનના એક્શન હીરો તરીકેના વખાણ કરતા કહે છે કે,”જ્યારે તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે ઘણો ખુશ થતો હતો. મનમાં એમ થતું કે, તમે જોરદાર એક્શન કરશો…હવે તો બધાનું આવી બન્યું” પરંતુ આ વાક્ય સાથે તરત જ દિલજીત ઉમેરે છે કે, “પણ, સાહેબ, મને તમારી ‘સૌદાગર’ ફિલ્મ પસંદ નહોતી.” આ સાંભળીને બિગ બી આશ્ચર્યચકિત થઈ જાય છે.
દિલજીતે પોતાના મજાકિયા અંદાજમાં તેનું કારણ સમજાવતા કહે છે કે, “સાહેબ, તેઓએ જાહેરાત કરી કે અમિતાભ બચ્ચનની ફિલ્મ આવી રહી છે. પરંતુ તમે તેમાં ગોળ વેચી રહ્યા છો, સાહેબ.” દિલજીતની આ રમુજી ટિપ્પણી પર અમિતાભ બચ્ચન હસ્યા વગર રહી શક્યા નહીં.
અમિતાભ બચ્ચન અને નૂતનની ફિલ્મ હતી ‘સૌદાગર’
સુધેન્દુ રોય દ્વારા દિગ્દર્શિત 1973ની આ હિન્દી ફિલ્મ ‘સૌદાગર’માં અમિતાભ બચ્ચન અને નૂતન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મોતી નામના ગોળના વેપારીની ભૂમિકા ભજવી હતી. જોકે આ ફિલ્મ વ્યવસાયિક રીતે બહુ સફળ નહોતી રહી, પણ તેને 46મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ભારત તરફથી એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, KBC 17ના આગામી એપિસોડમાં, દિલજીત દોસાંઝ તાજેતરના પંજાબ પૂર સંબંધિત તેના સખાવતી કાર્યની ચર્ચા પણ કરશે. આ ખાસ એપિસોડ 31 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે.
આ પણ વાંચો…KBC-17: 10 વર્ષના ઈશિત ભટ્ટ બાદ હવે વાઈરલ થઈ 3 વર્ષ જૂની એડ સ્ક્રિપ્ટ, તમે પણ જોઈને ચોંકી ઉઠશો…



