પિતાએ તેમના કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી તો દિલજીત દોસાંઝે કંઇક….

દિલજીત દોસાંઝે માન્ચેસ્ટરમાં તેના તાજેતરના કોન્સર્ટ દરમિયાન પ્રથમ વખત તેની માતા અને બહેનનો દર્શકો સમક્ષ પરિચય કરાવીને તેમને અંગત જીવનની એક દુર્લભ ઝલક આપવાનો પ્રયાસ કર્યો હતો. માન્ચેસ્ટર કોન્સર્ટમાં જ્યારે દિલજિત દોસાંજની માતા અને તેની બહેનનો પરિચય કરાવ્યો ત્યારે તેની માતાની આઁખમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા. તેમના ચાહકો પણ આ જોઇને ઘણા જ ખુશ થઇ ગયા હતા. હવે તેમના પિતાએ પ્રથમ વખત લંડનમાં તેમના કોન્સર્ટમાં હાજરી આપી હતી, જેને કારણે દિલજીત દોસાંઝ ઘણા ભાવુક થઇ ગયા હતા અને પોતાનું એક ગીત પિતાને ડેડિકેટ કર્યું હતું.
| Also Read: Diljit Dosanjhનો કોન્સર્ટ સુપરહીટ, એક ટિકિટના ભાવ સાંભળશો તો બેહોશ થઈ જશો
માન્ચેસ્ટર બાદ લંડનમાં કોન્સર્ટ દરમિયાન દિલજીતના પિતા જોવા મળ્યા હતા. તેમના પિતાએ પ્રથમ વખત તેમના કોન્સર્ટમાં હાજરી આપી હતી. પિતાને જોઇને દિલજીત ઘણા જ ભાવુક થઇ ગયો હતો. દિલજીતે સ્ટેજ પર તેમનો પરિચય પણ કરાવ્યો હતો. સામે આવેલા વીડિયોમાં તમે દિલજીતને કહેતા સાંભળી શકો છો કે, ‘આજે પહેલીવાર ફાધર સાહેબ મારો કોન્સર્ટ જોવા આવ્યા છે. દિલજીતે પિતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “આભાર, પપ્પા. હું તમને પ્રેમ કરું છું,” અને જણાવ્યું હતું કે તેમણે પિતાને આ શબ્દો પહેલીવાર કહ્યા હતા. તેમણે એ પણ શેર કર્યું હતું કે તેમના પિતા સુપ્રસિદ્ધ પંજાબી ગાયક કુલદીપ માણકના મોટા પ્રશંસક છે.
દિલજીત હંમેશા પોતાનું અંગત જીવન ખાનગી રાખે છે. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં તેમણે તેમના પરિવાર વિશે ચર્ચા કરવાની તેમની અનિચ્છા અંગેનું કારણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો હેતુ પરિવારને સંભવિત નકારાત્મકતાથી બચાવવાનો છે. તેઓ ઇચ્છતા નથી કે જો કંઈક કમનસીબ ઘટના બને તો તેમના પરિવારને અપમાનજનક ટીપ્પણીઓનો સામનો કરવો પડે. પરિવારને લોકો અને મીડિયાની આંખોથી બચાવવાની તેમની ઈચ્છા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે જો ક્યારેક તેમણે ભૂલમાં પણ કોઇ ગીતની ખરાબ પસંદગી કરી, તો તેનું પરિણામ તેના પરિવારને ભોગવવું પડે એવું તેઓ ઈચ્છતા નથી.