મનોરંજન

પાકિસ્તાની હારે તો પલટવાર જરૂર કરે છેઃ રીતિક રોશનની ફિલ્મનો ડાયલૉગ થયો વાયરલ

ભારત સાથે મંત્રણા કર્યા બાદ બન્ને દેશોએ ગઈકાલે પાંચ વાગ્યાથી સિઝફાયર જાહેર કરી દીધું હતું, પરંતુ દગાબાજ પાકિસ્તાન પોતાના કરતૂતો ચાલુ જ રાખે છે. પાકિસ્તાને ફરી ડ્રોનહુમલાઓ કર્યા અને એલઓસી પર ફાયરિંગ પણ કર્યું. ગઈકાલે આખા દિવસમાં બે જવાન શહિદ થયા અને પાંચ સામાન્ય લોકોનો પણ જીવ ગયો. હારી ગયેલા પાકિસ્તાન પર ભરોસો કરી ભારતે પોતાની ઉદારતા દેખાડી, પણ નાપાક પાકને શરમ આવી નહીં ત્યારે પાકિસ્તાનનો આ રવૈયો પહેલેથી ફિલ્મજગત જાણતું હોય તેમ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રીતિક રોશનની હીટ ફિલ્મ લક્ષ્યનો આ ડાયલૉગ છે. આ ફિલ્મમાં રીતિક સમૃદ્ધ ઘરનો એક યુવાન દીકરો છે, જેને જીવનમાં શું કરવું તેની ખબર નથી. લક્ષ્ય વિનાના દીકરા પાસેથી બાપને પણ કોઈ અપેક્ષા નથી. સતત આ બધા વચ્ચે પપ્પાના પૈસે એશ કરતા રીતિકને લશ્કરમાં જોડાવાનો વિચાર આવે છે. તેના આ વિચાર પર બધા હસે છે કારણ કે એશોઆરમની જિંદગી જીવતા રીતિકને લશ્કરમાં જોડાવવું કેટલું કઠિન છે તે સપનેય ખ્યાલ નથી હોતો. દીકરો બીજા દિવસે પાછો આવશે તેવી બાપને ખાતરી હોય છે અને બને છે પણ એવું. એકવાર તો દીકરો ભાગી આવે છે, પણ પછી તેને જોમ ચડે છે અને તે લશ્કરની કપરી કસોટીમાંથી પાર થાય છે. ફિલ્મમાં કારગીલ યુદ્ધ બતાવ્યું છે અને તેના એક સિનમાં ઓમપુરી રીતિકને કહે છે કે સાહેબ મને એ લોકોનો અનુભવ છે. પાકિસ્તાની હારે તો પલટીને ફરી વાર કરે છે. યુદ્ધ જીતી જાઓ તો બેપરવાહ ન બની જતા, મારી વાત યાદ રાખજો.

આ ફિલ્મ અને ડાયલૉગ જાવેદ અખ્તરે લખ્યા હતા અને ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી.
આ ડાયલૉગ આજના પાકિસ્તાન માટે પણ એટલો જ બંધબેસતો છે. ગઈકાલે સિઝફાયર બાદ પણ ઘણાએ આ શંકા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન રાજવહીવટ અને લશ્કર બંને આ મામલે અલગ અલગ ભૂમિકા અપનાવતા હોય છે. વળી, હદ તો ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે દોષનો ટોપલો ભારત પર ઢોળતા કહ્યું કે ભારતે યુદ્ધ અમારા પર થોપી દીધું છે. જગજાહેર છે કે પહેલગામ હુમલા બાદ ભારત પાસે પાકિસ્તાનને જવાબ આપ્યા સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ ન હતો અને હંમેશાં શાંતિપ્રિય રહેલા દેશે હથિયાર ઉઠાવવા પડ્યા છે.

આ પણ વાંચો….પાકિસ્તાનની નાપાક હરકત! યુદ્ધવિરામના થોડા કલાકો બાદ કર્યો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જબડાતોડ જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button