‘ધુરંધર’એ રચ્યો ઈતિહાસ: ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડી બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

મુંબઈ: રિલીઝ થયાના પહેલા જ દિવસથી ‘ધુરંધર’ ફિલ્મ અવનવા રેકોર્ડ બનાવી રહી છે. જેમાં રોજેરોજ ઉમેરો થઈ રહ્યો છે. જોકે, હવે આ ફિલ્મે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની કમાણીને ટક્કર મારી દીધી છે. ‘ધુરંધર’ ફિલ્મે ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મ કરતાં પણ વધુ કમાણી કરી લીધી છે. આ સાથે તે બોક્સઓફિસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
‘ધુરંધર’ની કમાણી 800 કરોડને પાર
‘ધુરંધર’ ફિલ્મે પાંચમાં અઠવાડિયે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 6 જાન્યુઆરી 2026ના રોજ અંદાજીત 5.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘ધુરંધર’ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 831.40 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ કરતાં વધારે છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મે અંદાજીત 830 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મ પહેલા સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ ‘બાહુબલી 2’ના નામે હતો.
આ પણ વાંચો : રણવીરની ‘ધુરંધર’ સામે અગસ્ત્ય નંદાની ‘ઈક્કીસે’ જમાવ્યો સિક્કો, જાણો કેટલી કમાણી કરી…
યશરાજ ફિલ્મ્સે કર્યા ‘ધુરંધર’ના વખાણ
યશરાજ ફિલ્મ્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ધુરંધર માત્ર એક ફિલ્મ નથી. તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે, જેને હંમેશાં યાદ રાખવામાં આવશે. આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોઝને અભિનંદન. જેણે અત્યારસુધી સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ (એક ભાષામાં) તૈયાર કરવાનું ગૌરવ મેળવ્યું છે.
નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ડિરેક્ટરના રૂપમાં આદિત્ય ધરના ઉદ્દેશ્યની સ્પષ્ટતા, નિડર વાર્તા કહેવાની ઢબ અને ઉત્કૃષ્ટતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતીય સિનેમા માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
આ પણ વાંચો : ‘ધુરંધર’નો ધમાકોઃ 13 દિવસમાં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ફિલ્મમાં સામેલ
યશરાજ ફિલ્મે ધુરંધરની ટીમના વખાણ કરતા લખ્યું છે કે, “અમે આ શાનદાર ફિલ્મના તમામ કલાકારો અને ટેક્નિશિયનને તેમના યોગદાન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તમે જ એ ધુરંધર છો, જેમણે ફિલ્મના વિચારને મોટા પડદે આટલા ભવ્ય અને પ્રભાવશાળી રીતે સાકાર કર્યો. અમને આવી ફિલ્મ આપવા માટે આભાર, તે અમને ક્રિએટિવ એક્સલન્સની શોધમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. યશરાજ ફિલ્મ્સની આ પોસ્ટના જવાબમાં રણવીર સિંહે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, “મારી વ્હાલી માતૃસંસ્થા હું હંમેશાં તમને ગૌરવ અપવવા ઇચ્છતો હતો.”



