દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ: ‘યમલા પગલા દીવાના’ જાન્યુઆરીના ફરીથી થશે રિલીઝ…

મુંબઈઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 24 નવેમ્બરના 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનના સમાચારથી બોલીવુડ સહિત દેશ-વિદેશના ચાહકો હજુ પણ શોકમાં ડૂબેલા છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપવા માટે ફિલ્મ જગતે એક ખાસ નિર્ણય લીધો છે. ધર્મેન્દ્રના જાદુને મોટા પડદા પર ફરીથી જીવંત કરવા માટે તેમની સુપરહિટ કોમેડી-એક્શન ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ને થિયેટરમાં ફરી રિલીઝ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
મીડિયા અહેવાલ મુજબ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી તેમની 14 વર્ષ જૂની આ આઈકોનિક ફિલ્મને આગામી 1 જાન્યુઆરી, 2026ના નવા વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ધર્મેન્દ્રની સાથે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલની મનમોહક કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ દ્વારા ચાહકો ફરી સિનેમા હોલમાં ધર્મેન્દ્રના એ જ જૂના અંદાજ તેમની કોમિક ટાઈમિંગ અને એક્શનનો અનુભવ કરી શકશે.
આ પણ વાંચો…ધર્મેન્દ્રની એક ભૂલ: જ્યારે ‘શોલે’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં મુકાયો!
આ ફિલ્મની રી-રિલીઝના રાઈટ્સ NH સ્ટુડિયો પાસે છે. અગાઉ એવી યોજના હતી કે ફિલ્મને 19 ડિસેમ્બરે જ રિલીઝ કરી દેવામાં આવે, પરંતુ બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની જોરદાર સફળતાને જોતા નિર્માતાઓએ આ તારીખમાં ફેરફાર કર્યો છે. હવે વર્ષ 2026ની શરૂઆતમાં જ ધર્મેન્દ્રની ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી કરીને તેમની લોકપ્રિયતા અને આ ફિલ્મના ક્રેઝનો પૂરેપૂરો લાભ મળી શકે.
વર્ષ 2011માં સમીર કાર્ણિકના ડિરેક્શનમાં બનેલી ‘યમલા પગલા દીવાના’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 28 કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 88.55 કરોડ રૂપિયાની કમાણી કરીને ટ્રેડ એક્સપર્ટ્સને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં પિતા-પુત્રની ત્રિપુટીએ જે રીતે પારિવારિક મનોરંજન પીરસ્યું હતું, તેના કારણે તે આજે પણ લોકોની મનપસંદ ફિલ્મોની યાદીમાં સામેલ છે.



