ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ કઈ રીતે મળી? શું છે આ પાછળની સ્ટોરી…

બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રએ 89 વર્ષે આપણી વચ્ચે સદેહે વિદાય લીધી પરંતુ પોતાની આગવી એક્ટિંગ સ્કિલથી ફેન્સના દિલોમાં દિમાગમાં તો હંમેશા જીવંત રહેશે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં ધર્મેન્દ્ર ફેન્સમાં હી-મેન, ધરમ પાજી જેવી હુલામણા નામથી ઓળખાતા હતા. પરંતુ શું તમને ખબર છે કે ધરમપાજીને આ હી-મેન નામ કઈ રીતે મળ્યું? ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…
મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રને હી-મેનનો ખિતાર 1966માં આવેલી સુપરહિટ ફિલ્મ ફૂલ ઔર પથ્થર પછી મળ્યો હતો. આ ફિલ્મના જ એક સીનમાં ધરમપાજીએ શર્ટ ઉતાર્યું હતું. તેમનો આ ફોટો ન્યુઝપેપર અને મેગેઝિનમાં છપાયો હતો. તેમની મસક્યુલર પર્સનાલિટીએ લોકોને દિવાના બનાવી દીધા હતા અને બસ ફેન્સ અને બોલીવૂડમાં ધરમપાજી હી-મેનના નામે ઓળખાવવા લાગ્યા.
આપણ વાચો: ધર્મેન્દ્રના ટોચના 10 રોમેન્ટિક ગીતો: ગર તુમ ભુલા ના દોગે…
ફૂલ ઔર પથ્થર બાદ ધરમપાજીએ અનેક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કર્યા અને જતાં સમયની સાથે તેમની હી-મેનની ઈમેજ લોકોના દિલોદિમાગ પર એકદમ જડબેસલાક જામતી ગઈ. ફૂલ ઔર પથ્થર ફિલ્મ બાદ ધરમપાજી દર્શકોના મનમાં હી-મેન તરીકે અને ડિરેક્ટર્સના મનમાં એક્શન હીરો બનીને ઉભરીને આવ્યા.
1966માં ભલે ફૂલ ઔર પથ્થર બાદ ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ મળી હોય પણ તેમની મસ્ક્યુલર બોડી અને કદકાઠી તેમ જ લૂક્સ પણ ચર્ચામાં રહ્યા. 1970માં અમેરિકાની જાણીતી ટાઈમ મેગેઝિને ધર્મેન્દ્રને દુનિયાના 100 સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં સ્થાન અપાવ્યું હતું. આજે ભલે ધરમપાજી આપણી વચ્ચે ના હોય પણ તેમની ફિલ્મો અને આઈકોનિક રોલ્સને કારણે તેઓ દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા રહેશે.


