મનોરંજન

51 રૂપિયાની ફીથી 500 કરોડના સામ્રાજ્ય કઈ રીતે ઊભું કર્યું હી-મેન ધર્મેન્દ્રએ?

બોલીવૂડના હી-મેન ગણાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે આજે છેલ્લાં શ્વાસ લીધા. ધર્મેન્દ્ર એક અચ્છા કલાકાર હોવાની સાથે સાથે એક કુશળ બિઝનેસમેન પણ હતા એ તમે જાણો છો? એક્ટિંગ સિવાય ધરમપાજીએ રેસ્ટોરન્ટ્સથી લઈને હોસ્પિટલ ફીલ્ડ સુધી અલગ અલગ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કર્યું છે.

ફિલ્મોમાં પોતાની એક આગવી ઓળખ ઊભા કરનારા હી-મેનની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ 450થી 500 કરોડ રૂપિયાની વચ્ચે છે. ચાલો વાત કરીએ હી-મેનની નેટવર્થ વિશે…

પંજાબથી મુંબઈ સુધીની સફર…

બોલીવૂડના હી-મેન ગણાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે આજે છેલ્લાં શ્વાસ લીધા. ધર્મેન્દ્ર એક અચ્છા કલાકાર હોવાની સાથે સાથે એક કુશળ બિઝનેસમેન પણ હતા

હી-મેનની નેટવર્થ વિશે વાત કરીએ એ પહેલાં તેમની સફર વિશે થોડું જાણી લઈએ. 8મી ડિસેમ્બર, 1935માં જન્મેલા લુધિયાણા સ્થિત સાહનેવાલ ગામમાં ધર્મેન્દ્રનો જન્મ થયો અને તેમનું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. ઈન્ટરમિડિયેટનો અભ્યાસ કરતાં કરતાં જ તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવવાનો વિચાર આવ્યો અને એક્ટિંગ કરવા તેઓ મુંબઈ આવ્યા અને પોતાની એક્ટિંગથી લોકોના દિલ જિતી લીધા.

પર્સનલ લાઈફ રહી રોલર કોસ્ટર સમાન…

ધર્મેન્દ્રએ પોતાના કરિયર દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને તેમણે બે લગ્ન કર્યા છે. તેમનાં પહેલાં પત્ની પ્રકાશ કૌર છે અને આ લગ્નથી તેમને ચાર સંતાન જેમાં બે દીકરા અને બે દીકરીનો સમાવેશ થાય છે. આ ચારેય સંતાનોના નામ અનુક્રમે સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજિતાનો સમાવેશ થાય છે. 1980માં તેમણે બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિની સાથે બીજા લગ્ન કરવા ઈસ્લામ અંગીકાર કર્યો અને આ લગ્નથી તેમને ઈશા દેઓલ અને આહના દેઓલ એમ બે દીકરીઓ છે.

પહેલી ફિલ્મ માટે મળ્યા 51 રૂપિયા

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર 1960માં જ્યારે ધર્મેન્દ્રએ પહેલી ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે માટે 51 રૂપિયાની ફી મળી હતી. આ રકમ પણ ફિલ્મના ત્રણ નિર્માતાઓએ મળીને આપી હતી. ત્યાર બાદ તો તેમને એટલું કામ મળ્યું કે ક્યારેય પાછા વળીને જોવું નથી પડ્યું.

રૂપિયા 450થી રૂપિયા 500 કરોડની છે નેટવર્થ

વાત કરીએ ધર્મેન્દ્રની નેટવર્થની તો રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તેમની નેટવર્થ 450 કરોડ રૂપિયાથી 500 કરોડ રૂપિયા જેટલી છે. ફિલ્મોથી થનારી કમાણી સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટથી થનારી કમાણીનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે તેમના નામથી એક રેસ્ટોરાં ચેન પણ ચાલે છે જેનું નામ છે ગરમ ધરમ.

આલિશાન ફાર્મહાઉસથી લક્ઝરી કારનું કલેક્શન…

ધર્મેન્દ્ર એક્ટિંગ સિવાય પોતાની રોયલ લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. તેમની પાસે મુંબઈમાં આલીશાન ઘર છે તો ખંડાલા અને લોનાવલામાં ફાર્મહાઉસ પણ છે. 100 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસની ઝલક હી-મેન અવારનવાર પોતાના સોશિયલ મીડિયાના વીડિયોમાં દેખાડે છે.

ધર્મેન્દ્ર મોટાભાગનો સમય આ ફાર્મહાઉસમાં જ પસાર કરતાં હતા. ધર્મેન્દ્રના આ ફાર્મહાઉસની કિંમત 120 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ સિવાય તેમની કરોડોની અન્ય રિયલ એસ્ટેટની પ્રોપર્ટી પણ છે.

લક્ઝરી કારની વાત કરીએ તો ધર્મેન્દ્રના કલેક્શનમાં અનેક મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. તેમના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેંઝ એસ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ એસએલ500 અને લેન્ડ રોવર રેન્જ જેવી મોંઘી કાર પણ છે. જોકે, તેમની મનપસંદ કાર વિશે વાત કરીએ તો તે 65 વર્ષ જૂની એક ફિયેટ કાર છે અને આ કાર તેમણે 18000 રૂપિયામાં ખરીદી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button