ધર્મેન્દ્રની તબિયત સ્થિર, વેન્ટિલેટર પર હોવાના અહેવાલો ખોટા, ટીમે આપી હેલ્થ અપડેટ, જાણીએ ફેમિલી વિશે ખાસ વાત…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લઈને એવી માહિતી સામે આવી રહી હતી કે અભિનેતા મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, તેમ જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પરંતુ હવે ધરમપાજીની ટીમ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે ધરમપાજીની તબિયત સ્થિર છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર નથી રાખવામાં આવ્યા. આવો જોઈએ ધરમપાજીની ટીમે વધુમાં શું જણાવ્યું છે-
બોલીવૂડના હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર છેલ્લાં 10 દિવસથી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હવે તેમની ટીમ દ્વારા ધરમપાજીની હેલ્થ અપડેટ આપવામાં આવી છે. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ડોક્ટરના ઓર્બ્ઝવેશન હેઠળ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. આ સાથે પરિવારે અને ટીમે આ સમયે પ્રાઈવસી જાળવી રાખવાની અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ અને ધરમપાજીના બીજા પત્ની હેમા માલિની પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. દરમિયાન ધરમપાજીની બંને દીકરીઓને પણ અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે. ધર્મેન્દ્ર 89 વર્ષના છે અને તેઓ છેલ્લે ફિલ્મ તેરી બાતો મેં ઉલઝા ઐસા જિયામાં જોવા મળ્યા હતા. હવે તેઓ ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે, જે 25મી ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે.
વાત કરીએ ધરમપાજીના પરિવાર વિશે તો ધરમપાજીએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલાં પત્ની પ્રકાશ કૌર અને બીજા પત્ની હેમા માલિની હતા. આ બંને પત્નીઓથી ધરમપાજીને 6 સંતાન અને 13 ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ છે. 19 વર્ષે ધરમપાજી અને પ્રકાશ કૌરના લગ્ન થયા હતા અને આ લગ્નથી ધરમપાજીને ચાર સંતાન થયા જેમાં સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્ર જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને એ સમયે તેમની મુલાકાત હેમા માલિની સાથે થઈ. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. એ સમયે ખાસો હોબાળો થયો હતો, કારણ કે ધર્મેન્દ્ર પહેલાંથી પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા. પ્રકાશ કૌરે ડિવોર્સ આપવાનો ઈનકાર કર્યો હતો અને ધર્મેન્દ્ર કોઈ પણ ભોગે હેમા માલિની સાથે લગ્ન કરવા હતાં એટલે બંને જણે ઈસ્લામ અંગીકાર કર્યો અને નામ બદલીને લગ્ન કર્યા હતા. 2004માં જોકે, ધર્મેન્દ્રએ આ વાતને રદીયો આપ્યો હતો.
ધરમપાજીની બંને પત્નીઓ અલગ અલગ રહે છે. જ્યારે ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય લોનાવલા ખાતે આવેલા ફાર્મ હાઉસ પર વિતાવે છે. ધર્મેન્દ્રને હેમા માલિની સાથેના લગ્નથી બે દીકરીઓ થઈ ઈશા દેઓલ અને આહના દેઓલ.
આ પણ વાંચો…89 વર્ષના ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર, પરિવારજનોની અવરજવર વધી!



