લફરાબાજ પતિ, બગડેલ દીકરો, છતાં આ શ્રીમંત અભિનેત્રીએ સંસાર નિભાવ્યો

એવી ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો છે, જે મહિલાઓને ઘરેલું હિંસા, બેવફા પતિ, બગડેલા દીકરા કે પારિવારિક ત્રાસ સહન ન કરવા અને પગભર થવાની હિંમત અને પ્રેરણા આપે છે. ફિલ્મજગતમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ઘરેલું હિંસાને કારણેપતિથી છુટ્ટા થવાનું પસંદ કર્યું હોય, પરંતુ આજે આપણે એક એવી અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની પાસે બધુ જ હતું, પોતે પગભરહતી, સારા પરિવારમાંથી આવતી હતી, પોતાનું ઘર-સંપત્તિ ધરાવતી હતી, છતાં પતિનાં લફરાં ને વિવાદોને નજરઅંદાજ કરતી રહી અને એકલાં હાથે સંસાર નિભાવતી રહી. વાત કરી રહ્યા છીએ ઝરીના વહાબની. આજે ઝરીના પોતાનો 65મો જન્મદિવસ મનાવી રહી છે, ત્યારે તમે તેની સહનશીલતા કહો, ત્યાગ કહો કે પછી પતિ તરફથી ખોટી આસક્તિ કે નબળાઈ કહો, પણ તેણે એકલા હાથે સંસાર નિભાવ્યો છે.

હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં જન્મેલી ઝરીનાએ ધર્મના વાડા વટાવી હિન્દુ અભિનેતા આદિત્ય પંચોલી સાથે લગ્ન કયા. ઘરોંદા, ચિત્તચોર જેવી આલા દરજ્જાની ફિલ્મો આપી ચૂકેલી ઝરીનાની કરિયરને બ્રેક લાગી ગયો, બીજી બાજુ પતિ આદિત્યએ ખાસ કોઈ સફળતા મેળવી નહીં, પણ અભિનેત્રીઓ સાથે અફેર્સ મામલે હીરો સાબિત થયો. તેના બહુચર્ચિત લફરાંઓમાં એક કંગના રણૌત સાથે અને બીજો પૂજા બેદી સાથેનો રહ્યો. ઝરીના માટે આ બધાથી ત્રાસી ઘર છોડી જવું કે પતિને પડતો મૂકવો અઘરો ન હતો. ઝરીનાના ચાર ભાઈ અને ચાર બહેન છે. તેની એક બહેન અમેરિકામાં સેટલ્ડ છે. તેનાં પોતાના નામે ચાર ઘર છે. તે થોડા સમયના બ્રેક બાદ ફરી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરતી પણ દેખાઈ. તે ઈચ્છેત તો આ બધામાંથી બહાર નીકળી હોત, પણ તેણે સાથે રહેવાનું જ પસંદ કર્યુ. આનું કારણ આપતા તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે હું મારા પતિના અફેર્સ વિશે વાચતી ત્યારે મને થોડું દુઃખ થતું પણ પછી હું હસી કાઢતી. તે ઘરમાં મારી સાથે સારું વર્તન કરતા, મને માન સન્માન આપતા મારી માટે તે મહત્વનું હતું.
આપણ વાંચો: રિલિઝ પહેલા જ બોક્સ ઓફિસ સૈયારાનો દબદબો, જાણો એડવાન્સ બુકિંગના આંકડા

જોકે માત્ર પતિ નહીં દીકરાને કારણે પણ ઝરીના વહાબે મુશ્કેલીઓ વેઠવી પડી. સૂરજ પંચોલી પર અભિનેત્રી અને ગર્લફ્રેન્ડ ઝીયા ખાનની હત્યાનો આરોપ લાગ્યો અને આ કાનૂની લડાઈ ઘણી લાંબી ચાલી. અંતમાં સૂરજને છૂટકારો મળ્યો. ત્યાં વળી તેનું નામ દિશા સેલિયનના મોતના પ્રકરણમાં જોડાયું. જોકે સૂરજ હવે ફરી કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. સૂરજે પણ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે મારી માતાએ પરિવાર માટે ઘણું સહન કર્યું છે. તે ઈચ્છે તો દરેક રીતે સક્ષમ અને મજબૂત હતી અને અમને છોડી જઈ શકે તેમ હતી.
ખૈર, ઝરીનાને જન્મદિવસની શુભકામનાઓ.