આરડી બર્મનના ઘરને બચાવવા ચાહકો આગળ આવ્યા, 7,000 થી વધુ લોકોએ અધિકારીઓને કરી વિનંતી | મુંબઈ સમાચાર

આરડી બર્મનના ઘરને બચાવવા ચાહકો આગળ આવ્યા, 7,000 થી વધુ લોકોએ અધિકારીઓને કરી વિનંતી

એક મકાન જેને લોકો પોતાની કલા પ્રતીભાથી ઘર બનાવતા હોય છે. જે જગ્યા પર કલાકારની કલા છલકાતી હોય, તે જગ્યા સાથે પણ લોકોનો સંબંધ જોડાઈ જતો હોય છે. એવું જ એક ઘણ જે કોલકાતાના દક્ષિણ ભાગમાં આવેલું છે. જે માત્ર ઈંટ અને પથ્થરનું બાંધકામ નથી, પરંતુ ભારતીય સંગીતના ઇતિહાસનં પ્રતીક છે. આ ઘર એટલે મહાન સંગીતકાર એસડી બર્મન અને તેમના પુત્ર આરડી બર્મનનું બાળપણનું નિવાસસ્થાન. 36/1 સાઉથ એન્ડ પાર્ક ખાતે આવેલી આ ઐતિહાસિક ઘરને હવે સંગીતપ્રેમીઓએ સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની માંગ ઉઠાવી છે, જેથી આ સંગીતકારોની અમૂલ્ય વિરાસતને સાચવી શકાય.

આ ઐતિહાસિક ઘરને બચાવવા માટે સંગીતપ્રેમીઓએ એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને માત્ર એક અઠવાડિયામાં 7,000થી વધુ લોકોનું સમર્થન મળ્યું છે. ચાહકોનું કહેવું છે કે આ ઘર માત્ર એક બિલ્ડિંગ નથી, પરંતુ ભારતીય સંગીતના સુવર્ણ યુગની યાદોનો ખજાનો છે. યાચિકામાં માગ કરવામાં આવી છે કે આ ઘરને સાંસ્કૃતિક સ્થળ તરીકે સંરક્ષિત કરવામાં આવે, સંગ્રહાલયમાં ફેરવવું જોઈએ, જેથી બર્મન પરિવારની સંગીતકલાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય.

2021માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘરની બહારની ગલીનું નામ બદલીને ‘સંગીત સરણી’ રાખ્યું હતું. આ સાથે, આ ઘરને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આરડી બર્મનના ચાચા અભિજીત દાસગુપ્તાના જણાવ્યા અનુસાર, આ યોજના પર કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. અમને એક સંગ્રહાલયનું વચન આપવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે અમને તકતી લગાવવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી કોઈ કામગીરી આગળ વધી નથી.

આરડી બર્મન, જેમને ભારતીય સિનેમાના સૌથી પ્રખ્યાત સંગીત નિર્દેશકોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે, તેમણે 1960થી 1990ના દાયકા દરમિયાન 330થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના પિતા એસડી બર્મનની જેમ, આરડી બર્મને પણ ભારતીય સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. તેમણે મુકેશ, કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોંસલે અને મોહમ્મદ રફી જેવા દિગ્ગજ ગાયકો સાથે કામ કર્યું હતું. તેમનું સંગીત આજે પણ લાખો લોકોના દિલમાં જીવંત છે.

આ ઘર માત્ર બર્મન પરિવારનું નિવાસસ્થાન નથી, પરંતુ ભારતીય સંગીતના સુવર્ણ યુગનો એક ભાગ છે. ચાહકોની માંગ છે કે આ ઇમારતને સાંસ્કૃતિક વારસા તરીકે જાળવવામાં આવે અને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવે. આ ન માત્ર એસડી અને આરડી બર્મનની સંગીતકલાને શ્રદ્ધાંજલિ હશે, પરંતુ આવનારી પેઢીઓને પણ તેમના અમૂલ્ય યોગદાનથી પરિચિત કરશે.

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી સામે ભારતે વાંધો ઉઠાવ્યો, સમારકામમાં મદદની ઓફર કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button