
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની અરજી પર ઈડીને નોટિસ જારી કરી છે. આ અરજીમાં જેકલીને ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલ કેસને રદ કરવાની માંગ કરી છે. આ કેસની સુનાવણી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ મામલામાં જેકલીને દાવો કર્યો છે કે તે પોતે આ સમગ્ર મામલામાં પીડિત છે અને ગુનેગાર નથી. હાઈ કોર્ટમાં જેકલીનની અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે.
જો કે EDએ જેકલીન ફર્નાન્ડિસની અરજીનો વિરોધ કર્યો છે. EDએ જણાવ્યું હતું કે જેકલીન સુકેશની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે જાણ્યા બાદ પણ તેની પાસેથી ગિફ્ટ લેતી રહી. જેકલીનની કેસને રદ કરવાની અરજી એ નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રોકવાનો પ્રયાસ છે.
અરજીમાં આ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પૂરક ચાર્જશીટ અને અહીંની ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ સંબંધિત કાર્યવાહીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જેક્લીન ફર્નાન્ડિઝે કહ્યું હતું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જે ગુનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તે ગુનામાં તેને ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે રજૂ કરવામાં આવી છે. તેમજ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, અને તેને ચંદ્રશેખર અને તેના સહયોગીઓ દ્વારા આચરવામાં આવેલા ગંભીર ગુનાની કોઈ જાણકારી નહોતી.
આ ઉપરાંત જેકલીને આરોપ લગાવ્યો છે કે ઇડીએ તેને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવતી વખતે પક્ષપાતી રીતે કામ કર્યું હતું. EDએ અભિનેત્રી નોરા ફતેહીને ક્લીનચીટ આપી છે, જ્યારે નોરાએ અને તેના પરિવારે સુકેશને આપેલી ભેટો સ્વીકારી હતી. આથી જ તેને અરજી કરીને તેની સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે.