નેવુંના દાયકામાં હીટ ફિલ્મો આપનારી દેઓલ પરિવારની આ પુત્રવધૂ ક્યાં છે? જાણો તેની અનોખી સફર

મુંબઈ: બોલીવુડમાં ચર્ચામાં રહેનારા દેઓલ પરિવારની પુત્રવધૂઓ સામાન્ય રીતે લાઈમલાઇટથી દૂર રહે છે, જેમ કે પૂજા દેઓલ અને તાન્યા દેઓલ. જોકે, આ પરિવારની એક વહુ અન્ય પુત્રવધૂઓથી તદ્દન અલગ અને ગ્લેમરસ રહી છે. આ વહુ ભલે હવે અભિનયથી દૂર હોય, પરંતુ તેની સુંદરતા, શૈલી અને પ્રેરણાદાયક સફરની આજે પણ ચર્ચા થાય છે. દેઓલ પરિવારની આ વહુ કોણ છે, આવો જાણીએ.
મોડેલિંગથી બોક્સ ઓફિસ હિટ સુધીની સફર
90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી અને ટ્રાવેલ શોની હોસ્ટ દીપ્તિ ભટનાગર દેઓલ પરિવારની વહુ છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલી દીપ્તિ ભટનાગરની ફિલ્મી કારકિર્દી કોઈ પૂર્વ યોજનાનો ભાગ નહોતી. તે મુંબઈ આવી હતી ત્યારે પરિવારની હસ્તકલા ફેક્ટરીને પ્રમોટ કરવાના હેતુથી આવી હતી, પણ સપનાઓનું શહેર મુંબઈ તેને મનોરંજનની દુનિયામાં ખેંચી ગયું.
દીપ્તિએ મોડેલિંગથી શરૂઆત કરી અને ધીમે ધીમે ટેલિવિઝન અને ફિલ્મોમાં સંક્રમણ કર્યું. દીપ્તિને આમિર ખાનની ફિલ્મ “મન” (Man) થી પહેલી મોટી ઓળખ મળી, જેણે બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 35 કરોડની કમાણી કરી હતી. 2001માં, તેણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ “ચોરી ચોરી ચુપકે ચુપકે”માં એક ડાન્સ નંબર કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં આશરે રૂ. 149 કરોડની કમાણી કરી હતી.
આપણ વાચો: ધર્મેન્દ્રની સારવારને લઈ પરિવારે શું લીધો મોટો નિર્ણય? જાણો
‘યાત્રા’ ટીવી શોથી નવો ચિલો ચાતર્યો
દીપ્તિનો જાદુ ફક્ત ફિલ્મો પૂરતો સીમિત નહોતો. તેણે ટેલિવિઝનની દુનિયામાં સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા હતા. દીપ્તિએ ભારતના પ્રથમ મહિલા ટ્રાવેલ શો “યાત્રા” ની હોસ્ટ બનીને દર્શકોને દેશભરના મંદિરો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસના શો “મુસાફિર હૂં યારોં” હોસ્ટ કર્યો, જેનાથી તે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ.
આપણ વાચો: ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?
દેઓલ પરિવાર સાથે દીપ્તિનો સંબંધ
‘મુસાફિર હૂં યારોં’ શો દરમિયાન દીપ્તિની મુલાકાત દિગ્દર્શક રણદીપ આર્યન સાથે થઈ હતી, જે પાછળથી તેના જીવનસાથી બન્યા. રણદીપ આર્ય ધર્મેન્દ્રના દીકરા નથી છતાં દીપ્તિ દેઓલ પરિવારની વહુ બની. તેનું કારણ એ છે કે રણદીપ આર્ય પંજાબી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકાર વિરેન્દ્ર (Virendra)નો દીકરો છે અને વિરેન્દ્ર ધર્મેન્દ્રના સગા ભાઈ છે, તેથી રણદીપ ધર્મેન્દ્રના ભત્રીજા થાય છે અને દીપ્તિ ભટનાગર દેઓલ પરિવારની વહુ બની.
આ સંબંધ તેને સની દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ અને એશા દેઓલ સાથે પણ જોડે છે. આજે દીપ્તિ ભટનાગર અભિનયથી દૂર તેના બે પુત્રો અને પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવે છે અને ટ્રાવેલ તેમ જ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે.



