દીપિકા પદુકોણે રચ્યો ઇતિહાસ: ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’નું સન્માન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની

મુંબઈ: બોલીવૂડના એવા ઘણા કલાકારો છે, જેઓ હોલીવૂડમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે. દીપિકા પદુકોણ પણ ત્રીપલ એક્સ: ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ દ્વારા હોલીવૂડમાં પદાર્પણ કરી ચૂકી છે. જોકે, હવે તેને હોલીવૂડનું જાણીતું સન્માન મળવા જઈ રહ્યું છે.

‘હોલીવૂડ વોક ઓફ ફેમ’માં દીપિકા પદુકોણ
દીપિકા પદુકોણનું નામ હોલીવૂડની ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’ની યાદીમાં સામેલ થયુ છે. આ સન્માન મેળવનારી દીપિકા પદુકોણ પહેલી ભારતીય અભિનેત્રી છે. ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’ની યાદીમાં નામ સામેલ થવા બદલ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ‘આભાર’ વ્યક્ત કર્યો છે. દીપિકા પદુકોણ સિવાય એમિલી બ્લન્ટ, ટિમોથી ચેલામેટ, રામી મલેક, રશેલ મેકએડમ્સ, સ્ટેનલી ટુચી, ડેમી મૂર જેવા હોલીવુડના દિગ્ગજ કલાકારોના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
કેવી રીતે મળે છે ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’નું સન્માન?
‘હોલીવુડ વોક ઓફ ફેમ’નું સન્માન મેળવવા માટે કલાકારને મોટી ફી ચૂકવવી પડે છે. પરંતુ માત્ર રૂપિયાથી આ સન્માન મેળવી શકાતું નથી. તેની એક લાંબી પ્રક્રિયા છે. જેમાંથી કલાકારને પસાર થવું પડે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સન્માન મેળવવાને પાત્ર થવા માટે એક કલાકારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ પાંચ વર્ષ સક્રિય રહેવું પડે છે. સાથોસાથ આ સમયગાળા દરમિયાન દરમિયાન તેનું ઘણા પુરસ્કારોથી સન્માન પણ થયેલું હોવું જોઈએ.
આપણ વાંચો: Ramayana Part 1નું ટીઝર થયું રિલીઝ, સૌથી મોંઘી ફિલ્મ સાબિત થશે…
દીપિકા પદુકોણને મળ્યા અનેક સન્માન
ઉલ્લેખનીય છે કે, પોતાની ફિલ્મી કરિયરમાં દીપિકા પદુકોણ અનેક સન્માન તથા એવોર્ડ મેળવી ચૂકી છે. 2018માં તેનું નામ ટાઈમ મેગેઝિનની વિશ્વના 100 અસરદાર વ્યક્તિઓની યાદીમાં નોંધાયું હતું. ત્યારબાદ તેને TIME100 ઇમ્પેક્ટ એવોર્ડ પણ મળ્યો હતો. ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં તેણે ટ્રોફીનું અનાવરણ પણ કર્યું હતું. આવું કરનારી તે પહેલી ભારતીય હતી.