બોલિવૂડ અભિનેત્રીના પતિ પર લાગ્યા છેતરપિંડીના આરોપ
મુંબઇઃ 90ના દાયકાના અભિનેતા દીપક તિજોરીનું નામ બોલિવૂડના તેજસ્વી અને દિગ્ગજ કલાકારોની યાદીમાં આવે છે. દીપકે પોતાના અભિનયથી લાંબા સમય સુધી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેમણે ‘આશિકી’, ‘કભી હાં કભી ના’ અને ‘જો જીતા વોહી સિકંદર’ જેવી ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા છે. જોકે, હવે દીપક સ્ક્રીન પર જોવા મળતો નથી. તે ઘણીવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. હાલમાં જ દીપક તિજોરી પોતાના એક નિવેદનના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
તાજેતરમાં દીપક તિજોરીએ બોલિવૂડ અભિનેત્રી ઉદિતા ગોસ્વામીના પતિ મોહિત સૂરી પર ગંભીર આરોપ લગાવ્યા છે. દીપક તિજોરીનું કહેવું છે કે મોહિત સૂરીએ તેની સાથે છેતરપિંડી કરી છે. તેણે પોતાની એક ફિલ્મનો આઈડિયા ચોરી લીધો અને ફિલ્મ બનાવી. તમને જણાવી દઈએ કે જ્યારે દીપક તિજોરીને ફિલ્મોમાં અભિનેતા તરીકે વધુ સફળતા મળી ન હતી, ત્યારે તેઓ નિર્દેશન તરફ વળ્યા હતા.
અભિનેતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે મહેશ ભટ્ટ સાથે કામ કરવા માંગે છે અને તેણે તેમની સાથે તેની ફિલ્મના આઈડિયા અંગે પણ ચર્ચા કરી હતી.
આ વિશે વાત કરતાં દીપક તિજોરીએ કહ્યું હતું કે, ‘મેં મોહિતને ફિલ્મની સ્ટોરી કહી હતી, તે સમયે તે ટ્રેડ મિલ પર એક્સરસાઇઝ કરી રહ્યો હતો. તેણે 15 થી 20 મિનિટ સુધી મારી વાત સાંભળી અને કહ્યું કે સ્ટોરીમાં દમ નથી. એના પરથી ફિલ્મ બનાવવાનું ભૂલી જા. આ પછી જ્યારે હું એકવાર મહેશ ભટ્ટને ફિલ્મ સંબંધી કામ માટે મળવા ગયો ત્યારે મેં મોહિત સૂરીને બહાર બેઠેલો જોયો.
આ પછી મને ખબર પડી કે મોહિતે મારા આઈડિયાને હાઈજેક કરીને ફિલ્મ ‘ઝહર’ બનાવી, પરંતુ મને ક્યારેય ક્રેડિટ ન આપી.’ મોહિત સૂરીની પત્ની ઉદિતા ગોસ્વામી ‘ઝહર’માં જોવા મળી હતી. આ ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી. હવે વર્ષો પછી અભિનેતાએ આ ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે.