નાંદેડની હોસ્પીટલમાં દર્દીઓના મોત: NCP સાંસદે મુલાકાત લઇ ડીન પાસે ટોઇલેટ સાફ કરાવડાવ્યું!
મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 48 કલાકની અંદર 31 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયેલું છે અને ભાજપ-શિવસેના તથા કોંગ્રેસ-NCP તમામ પક્ષોએ આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. હોસ્પીટલમાં હજુ પણ 71 જેટલા દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બધાની વચ્ચે હિંગોલી લોકસભા બેઠકના એનસીપી સાંસદ હેમંત પાટિલે વિષ્ણુપુરી સ્થિત શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પીટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કરતા સમયે અનેક વોર્ડમાં ગંદા ટોઇલેટ જોઇને ભડક્યા હતા અને હોસ્પીટલના ડીન શ્યામરાવ વાકોડેને બોલાવીને તેમની પાસે જ ટોઇલેટ સાફ કરાવડાવ્યા હતા.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગંદા ટોઇલેટ જોઇને સાંસદ હેમંત પાટિલ ખૂબ ગુસ્સામાં આવી ગયા હતા અને પોતે જ પાણીનો પાઇપ હાથમાં પકડી લીધો હતો. તેમણે હોસ્પીટલના ડીનને બોલાવી ઘણું સંભળાવ્યું અને ડીનની ઓફિસમાં રહેલા રજીસ્ટરની પણ તપાસ કરી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાઇરલ થયો હતો. હવે આ મામલે મહારાષ્ટ્ર સરકારે સમિતિની રચના કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત ઘટનાની ચર્ચા કેબીનેટ બેઠકમાં પણ કરવામાં આવશે તેવું નેતાઓ જણાવી રહ્યા છે.
ઘટનાના સમાચારના ઘેરા પ્રત્યાઘાતો પડતા કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ, જિતેન્દ્ર આવ્હાડ, શિવસેના (યુબીટી)ના નેતા સુષ્મા અંધારે, આદિત્ય ઠાકરે સહિત નેતાઓએ મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય શિક્ષણમંત્રી હસન મુશ્રીફે પણ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. સમગ્ર મામલે વિરોધ વ્યક્ત કરવા કેટલાક NCP કાર્યકરોએ હોસ્પીટલ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા.