ડ્રગ્સનું પાર્સલ પકડાયાને બહાને અભિનેત્રી સાથે સાયબર ફ્રોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ભરેલું પાર્સલ પકડ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી બોલિવૂડની અભિનેત્રી અંજલિ પાટીલ પાસેથી સાયબર ઠગોએ 5.80 લાખ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ચક્રવ્યૂહ, ન્યૂટન અને રજનીકાંતની કાલા ફિલ્મમાં અભિનય કરનારી અંજલિ પાટીલે નોંધાવેલી ફરિયાદને આધારે ડી. એન. નગર પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અંધેરી પશ્ર્ચિમમાં ગિલ્બર્ટ હિલ રોડ પરિસરમાં રહેતી અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 28 ડિસેમ્બર, 2023ની સવારે દીપક શર્મા નામના શખસે તેને કૉલ કર્યો હતો. તાઈવાન મોકલવામાં આવી રહેલું તમારા નામનું પાર્સલ મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓએ પકડ્યું છે. આ પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે અને સાથે તમારું આધાર કાર્ડ હોવાનું શર્માએ કહ્યું હતું.
આ આઈડી ચોરીનો મામલો હોવાથી સાયબર ક્રાઈમ વિભાગના અધિકારી સાથે વાતચીત કરવાનું જણાવીને શર્માએ ફોન બેનર્જી નામના શખસને ટ્રાન્સફર કર્યો હતો. બૅનર્જીએ અભિનેત્રીને તેમનું આધાર કાર્ડ ત્રણ બૅન્ક ખાતાં સાથે લિંક હોવાનું કહ્યું હતું. આ ત્રણેય ખાતાં મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલાં હોવાથી ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને વેરિફાય કરવાની પ્રોસેસ માટે અમુક રૂપિયા ચૂકવવા પડશે, એવું બૅનર્જીએ કહ્યું હતું.
અભિનેત્રીને કેસમાં ફસાવાનો ડર બતાવી 5.80 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં પોતે છેતરાઈ હોવાની જાણ થતાં અભિનેત્રીએ સાયબર હેલ્પલાઈન નંબર પર કૉલ કરી ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.