‘Coolie Film collection: ‘કૂલી’ ફિલ્મનું બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, પણ…

મુંબઈ: દક્ષિણની ફિલ્મોમાં સુપરસ્ટાર તરીકે જાણીતા અભિનેતા રજનીકાંતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. આજે રજનીકાંતની ‘કૂલી’ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રજનીકાંતના ચાહકો અને દર્શકોએ પહેલા જ દિવસે ‘કૂલી’ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે, જેનો અંદાજ ફિલ્મના પહેલા દિવસના કલેક્શન પરથી લગાવી શકાય છે.
‘છાવા’ અને ‘સૈયારા’ કરતાંય વધારે કલેક્શન
આજે સિનેમાઘરોમાં ‘કૂલી’ અને ‘વોર 2’ એમ બે ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ દક્ષિણના પ્રખ્યાત ડિરેક્ટર લોકેશ કનાગરાજના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કૂલી’એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. ફિલ્મજગતના સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં ‘કૂલી’ ફિલ્મે 44.22 કરોડની કમાણી કરી છે. જોકે, પહેલા દિવસની કમાણીનો આંકડો હજુ પણ અપડેટ થઈ રહ્યો છે. જ્યારે ‘વોર 2’ ફિલ્મે 6 વાગ્યા સુધીમાં 31.73 કરોડની કમાણી કરી છે.
આ પણ વાંચો: 74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ
એક રીતે જોવા જઈએ તો ‘કૂલી’ ફિલ્મમાં રજનીકાંતની લોકપ્રિયતા કામ કરી ગઈ છે. જેથી તેની કમાણી પર ‘વોર 2’ ફિલ્મની અસર પડી નથી. ‘કૂલી’ ફિલ્મની કમાણી 2025માં રિલીઝ થયાના પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બોલીવૂડની ફિલ્મ ‘છાવા’, ‘સિકંદર’, ‘હાઉસફૂલ 5’ અને ‘સૈયારા’ કરતાં પણ વધારે છે.
શું ‘કૂલી’ ફિલ્મ આ રેકોર્ડથી વંચિત રહેશે?
ઉલ્લેખનીય છે કે, ‘કૂલી’ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ તથા હિન્દી એમ 5 ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. તેથી ‘કૂલી’ ફિલ્મ પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવવામાં હજુ પણ પાછળ છે. કારણ કે, જાન્યુઆરી 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ પણ 5 ભાષામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 61.1 કરોડની કમાણી કરી હતી.