‘ટોક્સિક’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી વિવાદમાં: અશ્લીલતાના આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ

બેંગલુરુ: સાઉથના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’નું તાજેતરમાં ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. રોમાંચથી ભરેલા આ ટીઝરમાં યશના એક અભિનેત્રી સાથેના ઇન્ટિમેટ સીન દર્શાવાયા છે. જેને લઈને આ ફિલ્મ બાળકોને બતાવવી જોઈએ કે નહીં? એવા સવાલો ઊભા થયા હતા. પરંતુ હવે આ ટીઝરને લઈને મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને હવે મહિલા આયોગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBCF) પાસે કાર્યવાહીની માંગ કરી છે.
મહિલા આયોગમાં કરી ફરિયાદ
આમ આદમી પાર્ટીના(AAP) મહિલા વિંગે કર્ણાટકમાં ‘ટોક્સિક’ ફિલ્મના ટીઝરમાં દર્શાવેલા ઇન્ટિમેટ સીનને લઈને વાંધો ઉઠાવ્યો છે અને રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્ય મહિલા આયોગમાં કરેલી ફરિયાદ અંગે AAPના રાજ્ય સચિવ ઉષા મોહને જણાવ્યું હતું કે, “ફિલ્મનું ટિઝર સંવેદનશીલ છે. કારણ કે તેમાં અશ્લીલતા અને વાંધાજનક દૃશ્યો એવી રીતે દેખાડવામાં આવ્યા છે, જે સમાજના કેટલાક વર્ગ તથા ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આવા કન્ટેન્ટના સાર્વજનિક સ્ક્રીનિંગથી સામાજિક નૈતિકતા પર જોખમ છે અને તે સાંસ્કૃતિક અને પરંપરાઓ માટે પણ નુકસાનદાયક બની શકે છે.”
ઉષા મોહને આગળ જણાવ્યું હતું કે, “અમે રાજ્ય સરકારન અને પોલીસને આ અંગે હસ્તક્ષેપ કરીને ટિઝરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બીજા સાર્વજનિક માધ્યમો પરથી હટાવવાનો આદેશ આપવાનો અનુરોધ કર્યો છે. સાથોસાથ આવું કન્ટેન્ટ પ્રકાશિત થતું અટકાવવા માટે કડક કાયદા બનાવવાનું સૂચન પણ કર્યું છે. જેથી સમાજની રક્ષા થઈ શકે અને સંવેદનશીલ વર્ગોને તેના ખોટા પ્રભાવથી બચાવી શકાય.”
આ કન્નડ સંસ્કૃતિનું અપમાન છે
આમ આદમી પાર્ટીના(AAP) મહિલા વિંગની ફરિયાદને લઈને કર્ણાટકના રાજ્ય મહિલા આયોગે CBCFને પત્ર લખીને ટિઝરને લઈને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. રાજ્ય મહિલા આયોગે CBCFને પત્રમાં ટિઝર અંગે જણાવ્યું છે કે ટીઝરમાં અશ્લીલ અને વાંધાજનક વિઝ્યુઅલ છે, જે મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને સામાજિક ભલાઈ માટે જોખમી છે. સેન્સર વગર અને કોઈપણ ચેતવણી વગર ટીઝરને સાર્વજનિક રીતે રિલીઝ કરવું ન માત્ર મહિલાઓની ગરિમા માટે હાનિકારક છે. પરંતુ આ કન્નડ સંસ્કૃતિનું પણ અપમાન છે. CBCF તેના નિયમો અનુસાર ટિઝરની સમીક્ષા કરે અને આ મામલે એક રિપોર્ટ તૈયાર કરીને મોકલે.
આપણ વાંચો: ફિલ્મ ધુરંધરના સંવાદ વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી



