છૂટાછેડા પછી પણ સુષ્મિતા સેનનો ભાઈ પત્ની સાથે રહે છે, અભિનેત્રીએ કર્યો ખુલાસો!

મુંબઈ: ફિલ્મી હસ્તીઓના લગ્ન અને છૂટાછેડાના સમાચાર અવારનવાર ચર્ચાનું કારણ બનતા હોય છે. આ જ બાબતને લઈને ટીવી અભિનેત્રી ચારુ અસોપા તેના અંગત જીવનને લઈને ફરીથી ચર્ચામાં છે. 2019માં સુષ્મિતા સેનના ભાઈ તથા અભિનેતા રાજીવ સેન સાથે લગ્ન કર્યા બાદ 2023માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, છૂટાછેડા પછી પણ આ દંપતી વારંવાર સાથે જોવા મળે છે, જેના કારણે ચાહકોમાં તેમના ફરીથી એક થવા અંગેની અફવાઓ ફેલાઈ છે. આ અફવાને લઈને હવે ચારુ અસોપાએ ખુલાસો કર્યો છે.
પુત્રીના કારણે અમે સહજ બન્યા
તાજેતરમાં, ચારુ અને રાજીવે ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા સાથે ઉજવી હતી અને ત્યારબાદ તેઓ પુત્રી જિયાના સાથે વેકેશન પર પણ ગયા હતા. જેના કારણે છૂટાછેડા બાદ પણ તેઓના સાથે હોવાની અફવાઓને વધુ વેગ મળ્યો હતો. હવે, ચારુ અસોપાએ આ મામલે મૌન તોડ્યું છે.

ચારુ અસોપાએ તાજેતરમાં તેની સોશિયલ મીડિયા ચેનલ પર એક વિડિયો પ્રકાશિત કરીને તેના ભૂતપૂર્વ પતિ રાજીવ સેન સાથેના તેના સંબંધો પર સ્પષ્ટતા આપી છે. ટ્રોલ કરનારાઓનો જવાબ આપતાં ચારુએ જણાવ્યું છે કે, રાજીવ અને તેની પુત્રી જિયાના ખૂબ જ ખુશ છે.
તેઓ એકબીજાના સંપર્કમાં છે. “લોકોએ આનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ કારણ કે હવે અમારી વચ્ચે કોઈ નકારાત્મકતા નથી. હું અને રાજીવ હવે એકબીજાથી નારાજ નથી, પરંતુ હવે એકબીજાના પ્રત્યે વધુ સહજ થઈ ગયા છે. જેનું કારણ અમારી પુત્રી છે.”
લોકો પોતાના પરિવાર પર ધ્યાન આપે

પોતાના જીવનના નિર્ણયો અંગે ટ્રોલ કરનારાઓને જવાબ આપતા ચારુએ કહ્યું કે, “બીજાની અપેક્ષાઓ પર નહીં, પરંતુ પોતાની ખુશી પર જીવન જીવવા માંગું છું. દરેક વ્યક્તિ સંજોગોના આધારે જીવનના નિર્ણયો લે છે. મારે મારા અને મારી પુત્રીના સુખાકારી માટે યોગ્ય નિર્ણય લેવો પડ્યો.
હું મારા નિર્ણયોની જવાબદારી જાતે લઉં છું. જીવન ખૂબ ટૂંકું છે જેથી તેને નકારાત્મક વિચારો કરીને બગાડી ન શકાય. મારે મારા અને મારી પુત્રી માટે શું શ્રેષ્ઠ છે તેના આધારે મારા નિર્ણયો લેવા પડશે.” આ ઉપરાંત અફવા ફેલાનારા લોકોને જવાબ આપતા ચારુએ કહ્યું કે, “લોકોએ બીજીના પરિવારોમાં ઓછું અને પોતાના પરિવારમાં વધારે ધ્યાન આપવું જોઈએ.”
વીડિયોમાં ચારુએ તાજેતરમાં રાજીવ સાથે બેંગકોક વેકેશન પર જવાની વાત પણ સ્વીકારી હતી. તેઓ કોલકાતા અને બિકાનેરમાં પણ સાથે જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ચારુ અને રાજીવના લગ્ન 2019માં થયા હતા અને 2023માં તેમના છૂટાછેડા થયા હતા. જોકે, તેમનો સંબંધ ફરીથી રોમેન્ટિક દિશામાં આગળ વધશે કે તેઓ ફક્ત તેમની પુત્રીના સહ-વાલી તરીકે સાથે રહેશે, તે તો સમય જ કહેશે.