જે હીરોઈન સાથે ફિલ્મ કરવાના સપના ટોચના હીરો પણ જોતા તેને ચમકીલાએ ના પાડી હતી

એક ફિલ્મ સાથે ઘણી વાતો જોડાયેલી હોય છે. તાજેતરમાં ઈમ્તીયાઝ અલીની ચમકીલા ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઈ છે. ફિલ્મ વખાણવામાં આવી રહી છે ત્યારે તેની વાર્તા જે પંજાબી સિંગરના જીવન પર આધારિત છે તે અમર સિંહે બોલીવૂડની સુપરસ્ટાર શ્રીદેવીની ફિલ્મની ઓફર ઠુકરાવી હોવાનું જાણવા મળ્યું છે. અમિતાભ બચ્ચને જેને ખુદા ગવાહ માટે મનાવવી પડી હતી તેવી અભિનેત્રી શ્રીદેવી સાથે ફિલ્મ કરવાનો મોકો મળતો હોવા છતાં અમર સિંહે તેને ઠુકરાવ્યો હતો.
1980ના દાયકામાં પંજાબી સંગીતની દુનિયામાં ચમકીલા સૌથી લોકપ્રિય સ્ટાર હતો. તે સમયે, તે પંજાબી ગાયકોમાં સૌથી વધુ કેસેટ વેચનાર હતો. 1988માં માત્ર 27 વર્ષની ઉંમરે ચમકીલાની હત્યા કરવામાં આવી હતી, જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
ચમકીલાના મિત્રએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો મિત્ર અમિતાભ બચ્ચન જેટલો જ હેન્ડસમ દેખાતો હતો. અમર સિંહ ચમકીલાને પંજાબમાં લોકો ખૂબ જ પસંદ કરતા હતા. લોકો ચમકીલાને ગાયક તરીકે જ જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે હીરા જેવો માણસ હતો. એકવાર 1986 માં, જ્યારે તે મારા ઘરે આવ્યો, ત્યારે તેણે જોયું કે મારી માતા બીમાર છે. તેણે મને 10,000 રૂપિયા આપ્યા, જે તે સમયે મોટી વાત હતી.
ફિલ્મ સ્ટાર શ્રીદેવી પણ ચમકીલાની ફેન હતી અને તેની સાથે ફિલ્મ કરવા માંગતી હતી. આ વિશે ચમકીલાના મિત્રએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવી અમર સિંહ ચમકીલાની ફેન હતી. તેણે ચમકીલા સાથે એક ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી અને તેણે ઓફર પણ કરી હતી, પરંતુ ચમકીલાએ ઠુકરાવી હતી. આનું કારણ એ હતું કે તે હિન્દી બરાબર બોલી શકતો ન હતો. ત્યારે શ્રીદેવીએ તેને એક મહિનાની અંદર હિન્દીની તાલીમ આપવાની પણ ઓફર કરી હતી, પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે એ એક મહિનામાં મને 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ જશે. તે પરથી અંદાજો લગાવી શકાય કે ચમકીલા તે સમયમાં કેટલું કમાતો હશે. શ્રીદેવી તેની સાથે પંજાબી ફિલ્મ કરવા પણ તૈયાર હતી, પરંતુ તે પણ શક્ય બન્યું નહીં.
અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત આ ફિલ્મમાં દિલજીતની સાથે પરિણીતી ચોપરા પણ છે. તેણે ચમકીલાની પત્ની અમરજોત કૌરની ભૂમિકા ભજવી હતી. ચમકીલા પર થયેલા હુમલામાં અમરજીત પણ મારી ગઈ હતી.